Editorial

અલાસ્કાની બેઠકનું કોઇ નક્કર પરિણામ નહીં આવ્યું, હવે ઝેલેન્સ્કી અને ટ્રમ્પની મુલાકાત પર નજર

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાઓનો યુક્રેન અને યુરોપીયન દેશોએ સખત વિરોધ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી 18 ઓગસ્ટ, 2025 ના રોજ વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળશે, જ્યાં જર્મન, ફ્રેન્ચ અને બ્રિટિશ નેતાઓ સહિત યુરોપના મોટા દેશો પણ યુક્રેનના સમર્થનમાં હાજર રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન પર જમીન સોંપી દેવાનું દબાણ ન આવે તેની ખાતરી કરવાનો છે.

અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાત બાદ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે એક શાંતિ યોજના રજૂ કરી હતી. આ યોજના મુજબ, યુક્રેને ડોનબાસનો આખો વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ આ શરતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. હવે 18 ઓગસ્ટે થનારી વ્હાઇટ હાઉસની બેઠકમાં યુરોપિયન નેતાઓ જેમ કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અન્ય મોટા નેતાઓ ઝેલેન્સ્કી સાથે મળીને ટ્રમ્પ પર દબાણ લાવશે કે તેઓ રશિયાને જમીન સોંપવાની શરતનો આગ્રહ ન રાખે.

અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાત બાદ, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારના વચન મુજબ, એક મહિનાની અંદર યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ટ્રમ્પની શાંતિ યોજના મુજબ, યુક્રેને ડોનબાસનો આખો વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ, જેનાથી તાત્કાલિક શાંતિ સ્થાપિત થઈ શકે. પરંતુ, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ શરતમાં એવા વિસ્તારો પણ સામેલ છે જે હજુ સુધી રશિયન સૈનિકોના કબજામાં નથી. આ શરતનો ઝેલેન્સ્કીએ સખત વિરોધ
કર્યો છે.

ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ રશિયાને જમીન આપવા માટે કોઈ પણ કરાર પર સહમત થશે નહીં. તેમના આ નિર્ણયને યુરોપિયન દેશોએ પણ ટેકો આપ્યો છે. 18 ઓગસ્ટે યોજાનારી વ્હાઇટ હાઉસની બેઠકમાં, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ, બ્રિટિશ PM કીર સ્ટારમર અને ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોની સહિતના મોટા યુરોપિયન નેતાઓ હાજર રહેશે. આ નેતાઓનો હેતુ ઝેલેન્સ્કી પર ટ્રમ્પ દ્વારા કોઈ દબાણ ન આવે તેની ખાતરી કરવાનો છે. આ બેઠકમાં મુખ્યત્વે યુક્રેનની સુરક્ષા ગેરંટી, પ્રાદેશિક મુદ્દાઓ અને રશિયન આક્રમણ સામે યુક્રેનને સતત સમર્થન આપવા અંગે ચર્ચા થશે.

અલાસ્કાની બે મહાસત્તાઓના ટોચના નેતાઓની બેઠક પર નજર કરીએ તો  આ બેઠક દર્શાવે છે કે યુરોપીયન નેતાઓ યુક્રેનના ભવિષ્ય અંગે ટ્રમ્પના એકપક્ષીય નિર્ણયોથી ચિંતિત છે. તેઓ ઝેલેન્સ્કી સાથે રહીને એક મજબૂત સંયુક્ત મોરચો રચી રહ્યા છે જેથી યુક્રેનને તેની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવા માટે પૂરતું સમર્થન મળે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ટ્રમ્પની ‘ડીલ’ ની રાજનીતિ યુક્રેન અને તેના સહયોગીઓ માટે સ્વીકાર્ય નથી, અને તેઓ યુક્રેન માટે એક સન્માનજનક અને કાયમી શાંતિ ઈચ્છે છે, જે જમીન ગુમાવીને ન મળે. રશિયામાં 25 વર્ષથી સત્તા પર રહેલા પુતિને ‘મીડિયા પર સંપૂર્ણપણે નિયંત્રણ’ કરી લીધું છે. પત્રકારત્વના સ્વાતંત્ર્યને કચડીને તેમણે ‘માહિતીને સ્થાને પ્રૉપેગૅન્ડા’ થોપી દીધો છે. રશિયામાં તેમને ક્યારેય અસહજ સવાલ નથી પુછાતા.

પરંતુ અલાસ્કા પહોંચતાં જ એક પત્રકારે તેમને પૂછ્યું, “શું તમે સામાન્ય માણસોની હત્યા રોકશો? પુતિને પ્રતિક્રિયા આપ્યા વગર જ નજર ફેરવી લીધી. થોડી વાર બાદ ફોટો-સેશનમાં ફરી સવાલ પુછાયા. એક રશિયન પત્રકારે પૂછ્યું કે શું પુતિન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય બેઠક કરશો. જવાબમાં પુતિને માત્ર હળવું સ્મિત આપ્યું અને ચૂપ રહ્યા. આખા વિશ્વનું મીડિયા પ્રેસ કૉન્ફરન્સની આશા સેવી રહ્યું હતું. પરંતુ બંને નેતાએ માત્ર નિવેદન આપ્યા અને કોઈ સવાલ ન લીધા. સામાન્યથી અલગ, સૌપ્રથમ પુતિન બોલ્યા. તેમણે વાતચીતને ‘સન્માનજનક’ ગણાવતાં અલાસ્કાના રશિયન ઇતિહાસનો ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું.

ઘણી મિનિટો બાદ તેમણે ‘યુક્રેનની સ્થિતિ’ પર પોતાની વાત મૂકી. તેમણે કહ્યું કે એક ‘સમાધાન’ થયું છે, પરંતુ અસલ ‘કારણ’ ખતમ કર્યા વગર શાંતિ ન થઈ શકે. આ નિવેદને યુક્રેન અને બીજા દેશો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી હશે. 2022થી યુદ્ધ શરૂ થયા બાદ પુતિન વારંવાર એક જ માગ મૂકતા આવ્યા છે – ક્રિમિયા, દોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસૉન પર રશિયન સાર્વભૌમત્વની માન્યતા, યુક્રેનને હથિયારો ન ઉપલબ્ધ કરાવવાં, વિદેશી સૈન્યોની ગેરહાજરી અને યુક્રેનમાં નવેસરથી ચૂંટણી કરાવવી. સ્પષ્ટ શબ્દોમાં, આ યુક્રેનની હાર અને સમર્પણની શરતો હતી, જે યુક્રેન માટે અસ્વીકાર્ય છે, પરંતુ આ રશિયા માટે યુદ્ધનાં સાડા ત્રણ વર્ષ પસાર થયા બાદ હજુ પણ મહત્ત્વની છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું કે કોઈ નક્કર સમાધાન નથી થયું.

Most Popular

To Top