National

નીતિશના નિવેદનથી રાજકીય ગરમાવો: શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM?

બિહારના રાજકારણમાં તાજેતરમાં એક નિવેદનથી જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી Nitish Kumarએ જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દરમિયાન ડેપ્યુટી સીએમ Samrat Choudharyના ખભા પર હાથ મૂકી કહ્યું કે “હવે આ લોકો જ કામ કરશે,” અને આ એક વાક્યે સત્તાંતરણ અંગેની અટકળોને વેગ આપી દીધો છે. રાજકીય વર્તુળોમાં હવે આ નિવેદનને સીધા સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી સમયમાં મુખ્યમંત્રી પદ છોડીને નવી ભૂમિકા તરફ જવાના છે, ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ આગળ ધપાવી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 14 એપ્રિલ પછી બિહારના નવા મુખ્યમંત્રીને શપથ ગ્રહણ કરાવવામાં આવી શકે છે.  

આ સમગ્ર ચર્ચાને વધુ બળ ભાગલપુરની એક ઘટનાએ આપ્યું, જ્યાં જનસંવાદ કાર્યક્રમ દરમિયાન એક એન્કરે ભૂલથી સમ્રાટ ચૌધરીને “મુખ્યમંત્રી” તરીકે સંબોધ્યા હતા. આ ક્ષણે મંચ પર થોડી અસહજતા જોવા મળી હતી, પરંતુ Nitish Kumarએ હસતાં હસતાં પરિસ્થિતિ સંભાળી અને સમ્રાટ ચૌધરીના ખભા પર હાથ મૂકી તેમને આત્મવિશ્વાસ આપ્યો હતો. આ ઘટના તે સમયે સામાન્ય લાગી હતી, પરંતુ હવે જમુઈમાં આપવામાં આવેલા નિવેદન સાથે તેને જોડીને જોવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય અર્થઘટન વધુ ગાઢ બન્યું છે. બિહારમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હાલ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ Samrat Choudharyનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ભાજપ અને જેડીયુની અંદર ચાલી રહેલી રાજકીય ગતિશીલતા વચ્ચે આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે. જો કે હકીકતમાં શું નિર્ણય લેવાશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ નીતિશ કુમારના સંકેતો અને તાજેતરની ઘટનાઓને જોતા બિહારમાં સત્તા પરિવર્તનની સંભાવનાઓને હવે નકારી શકાતી નથી.

Most Popular

To Top