પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજ રોજ નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સમારોહમાં વડા પ્રધાન મોદી સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ અને એનડીએ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
નીતિશ કુમારે 10મી વખત પદ સંભાળ્યું
બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારે ફરી એકવાર ઇતિહાસ રહચ્યો છે. 74 વર્ષીય નીતિશ કુમારે આજ રોજ તા. 20 નવેમ્બર ગુરુવારે ભવ્ય સમારોહમાં 10મી વખત રાજ્યની કમાન સંભાળી છે. 2000માં પહેલી વાર મુખ્યમંત્રી બનેલા નીતિશ કુમારની પહેલી સરકાર માત્ર 8 દિવસ ચાલી હતી પરંતુ ત્યારબાદ તેમણે 2005થી 2014 સુધી સતત મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2014ની લોકસભા ચૂંટણી પછી તેમણે રાજીનામું આપ્યું પરંતુ થોડા મહિનાઓમાં જ ફરી સત્તામાં પરત ફર્યા.
જાન્યુઆરી 2024માં ફરી NDA સાથે હાથે મળાવતા નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. હવે 10મી વખત શપથ લઈને તેઓ બિહારની રાજનીતિમાં પોતાની મજબૂત હાજરી ફરી સાબિત કરી છે.
સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ડેપ્યુટી CM તરીકે શપથગ્રહણ કર્યું
શપથ સમારોહમાં ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બંને નેતાઓ અગાઉની સરકારમાં પણ નાયબ મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. મંગલ પાંડે, અશોક ચૌધરી, શ્રવણ કુમાર, લેસી સિંહ સહિત અનેક ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી.
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે પણ તેમના પિતાને અભિનંદન પાઠવતા કહ્યું કે “જનતાએ અપેક્ષા કરતા વધુ સહકાર આપ્યો છે. અમે તેમની આશાઓ પર ખરા ઉતરીશું.”
શપથ સમારોહમાં PM મોદી પણ હાજર રહ્યા
આ શપથ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, BJP અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મોહન યાદવ, ઉત્તરાખંડના પુષ્કર ધામી, ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ, ગોવાના પ્રમોદ સાવંત, આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુ, રાજસ્થાનના ભજનલાલ શર્મા અને મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.
ગાંધી મેદાનમાં યોજાયેલા આ ભવ્ય સમારોહે નીતિશ કુમારના રાજકીય વલણ અને NDA સાથેની મજબૂત ભાગીદારીને ફરી એકવાર મજબૂત કરી છે.