કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, હવે તેઓ કોઈને મસ્કો લગાવવા તૈયાર નથી. તેમણે કહ્યું કે જો યોગ્ય લાગે તો મને મત આપજો, નહીં તો નહીં. આ નિવેદન પછી નીતિન ગડકરીના રાજકીય ભવિષ્યને લઈને અનેક વાતો આવવા લાગી હતી. લોકો તો ગડકરી અને મોદીના સંબંધ સુધી ક્યાસ લગાવવા માંડ્યા હતા. જો કે, હવે આ તમામ અટકળો પર ખુદ નીતિન ગડકરીએ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેનો રાજકારણ છોડવાનો કોઈ વિચાર નથી.
નીતિન ગડકરી. મોદી સરકારના એક એવા મંત્રી છે, જે તેના પર્ફોર્મન્સથી જેટલા ઓળખાય છે તેટલા જ તેના સંઘ સાથેના ઘરોબાથી ઓળખાય છે. એટલું જ નહીં, ગડકરી ખરેખર તો તેના બેબાક નિવેદનોથી વધુ ઓળખાય છે. દર થોડા દિવસે આ મંત્રીજીનું એકાદું એવું નિવેદન આવે જ છે, જે પોતાની પાર્ટી, વિરોધી પાર્ટીઓ, દેશના લોકો અને ભલભલા રાજનીતિજ્ઞને પણ વિચારતા કરી મૂકે છે. એક બાજુ એવું કહેવાય છે કે તેમનાં નિવેદનોને કારણે ગડકરીને વેતરી નાખવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ જયારે સરકારમાં પર્ફોર્મન્સની વાત આવે ત્યારે એવું કહેવાય કે મોદી સરકારનું ગડકરીનું એક જ એવું મંત્રાલય છે, જ્યાં PMની કોઈ દખલગીરી હોતી નથી, ખુદ મંત્રીને જાતે નિર્ણયો લેવાની છૂટ છે!
જાણકારો કહે છે – નીતિન ગડકરી BJPના જ નહીં, સંઘના પણ હુકમના એક્કા છે. BJP અને સંઘ બંને જાણે છે કે એવો સમય આવવાનો જ છે, જયારે પાર્ટી બહુમત નહીં લાવી શકે, એવા સમયે ગડકરી પર જ આખો ‘દારોમદાર’ હશે. ગડકરી હિન્દુ-મુસલમાનની રાજનીતિ નથી કરતા એટલે જ તેમનું ગત રવિવારનું નિવેદન ખૂબ જ સચોટ છે. ગડકરી કહે છે ‘’હું જે કામ કરું છું એ લોકોને પસંદ ન આવે તો મને વોટ ન આપે, હું મસ્કો લગાવવાની રાજનીતિ નથી કરતો.’’
અલબત્ત, એવું નથી કે આવું પહેલી વાર થયું છે. અનેક વખત ગડકરી આવા નિવેદનો આપી ચૂક્યા છે. રાજકીય મોરચે એવું કહેવાય પણ છે કે ગડકરીને તેમનાં નિવેદનો જ નડી ગયા છે. આજે આપણે છેલ્લા થોડા વર્ષોમાં ગડકરીના BJP અને સરકાર સાથેના સંબંધો ઉપરાંત કેમ ગડકરી અનિવાર્ય છે મોદી સરકાર માટે તેના પર વાત કરશું.
જાન્યુઆરી 2019માં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘‘લોકો એવા નેતાઓને પસંદ કરે છે, જેઓ સપના બતાવે છે પરંતુ જો તેઓ બતાવેલા સપના પૂરા ન કરે તો જનતા તેમની પીટાઈ પણ કરે છે. એટલા માટે માત્ર એવા જ સપના બતાવો જે પૂરા થઈ શકે. હું એવા લોકોમાંથી નથી, જેઓ સપના બતાવે. હું જે કહું છું તે 100% ડંકાની ચોટ પર પૂર્ણ કરું જ છું.’’ ગડકરીએ પોતાના નિવેદનમાં કોઈ નેતા કે પાર્ટીનું નામ લીધું ન હતું પણ તેમના આ નિવેદનથી તેમની જ સરકાર સામે આંગળી ચીંધવા માંડી હતી. ગડકરીના નિવેદન બાદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘‘ગડકરીજી, અમે સમજી ગયા છીએ કે તમારું લક્ષ્ય ક્યાં છે.’’ જો કે, BJPએ એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે નીતિન ગડકરીનું નિવેદન વિપક્ષના નેતાઓ માટે હતું, નરેન્દ્ર મોદી માટે નહીં કારણ કે વડા પ્રધાન સપના બતાવતા નથી, તે પૂરા કરે છે. હવે ફરી એક વખત રવિવાર હતો અને નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા! તમે સમજી ગયા! ગડકરીએ ફરી એક નિવેદન આપ્યું છે!
નીતિન ગડકરી બોલ્યા છે કે ‘’હું દેશમાં બાયો ફ્યુઅલ અને વોટરશેડ પ્રોટેક્શન સહિતના ઘણા પ્રયોગો કરી રહ્યો છું. જો લોકોને તે ગમે તો સારું… અન્યથા મને વોટ નહીં આપતા… હું પોપ્યુલર પોલિટિક્સ માટે વધારે મસ્કો લગાડવા તૈયાર નથી…’’ અલબત્ત, આવું આ પહેલી વાર નથી કે ગડકરી નિવેદન આપે અને તેમાંથી વિવાદ ઊભો થયો ન હોય. હજુ હમણાંની વાત કરીએ તો ગત જુલાઈમાં ગડકરીએ એવું નિવેદન આપ્યું હતું કે રાજકીય મોરચે ત્યાં સુધી ક્યાસ લગાવવામાં આવ્યો હતો કે નક્કી ગડકરી વહેલા-મોડા રાજકારણને બાય, બાય કહેવાના મૂડમાં છે!
એ વખતે ગડકરીએ એવું કહ્યું હતું કે ‘’આપણે પહેલાં રાજનીતિનો મતલબ સમજવાની જરૂર છે. શું રાજનીતિમાં રહેવું એ સમાજની ભલાઈ માટે છે કે સરકારમાં બની રહેવા માટે? રાજનીતિ મહાત્મા ગાંધીના જમાનાથી એક સામાજિક આંદોલનનો હિસ્સો રહી છે પરંતુ આજે આપણે જે જોઈ રહ્યા છીએ તેમાં રાજનીતિ ફક્ત સત્તા માટે કરવામાં આવી રહી છે. હું ઘણી વાર વિચારું છું કે મારે રાજનીતિ છોડી દેવી જોઈએ. રાજનીતિ સિવાય જિંદગીમાં એવી ઘણી બાબતો છે જે કરવી જોઈએ.’’
ભૂતકાળમાં રાજકીય મોરચે એક વાત એવી પણ ચાલતી હતી કે, નીતિન ગડકરી ફરીથી BJPના પ્રમુખ તરીકે ચૂંટાયા હોત તો તેઓ વડા પ્રધાનપદના ઉમેદવાર હોત. સંઘનો એક મોટો વર્ગ ઈચ્છતો હતો કે ગડકરીનું નામ સામે આવે પરંતુ પાર્ટીમાં માહોલ નરેન્દ્ર મોદીને લઈને હતો, તેથી જ RSS કંઈ કરી શક્યું ન હતું અને ગડકરીએ નાગપુર પાછા ફરવું પડ્યું હતું. જો કે, પાર્ટીમાં એક સ્પર્ધા હતી, જેમાં સંઘે પીછેહઠ કરવી પડે તે સ્વાભાવિક છે.
વર્ષ 2014માં મોદી સરકારની કેબિનેટની રચના થઈ ત્યારે ગડકરીને તેમાં ‘હેવીવેઈટ’ મંત્રી માનવામાં આવતા હતા. તેમને પરિવહન મંત્રાલયની સાથે જ શિપિંગ મંત્રાલય પણ મળ્યું હતું. 2014માં ગોપીનાથ મુંડેનું અવસાન થયું ત્યારે તેમને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2017માં ઉમા ભારતી પાસેથી જળ સંસાધન મંત્રાલય લઈ ગડકરીને આપવામાં આવ્યું હતું પરંતુ મોદી 2.0 સરકારમાં તેમના હેવીવેઇટ પોર્ટફોલિયોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે તેમને પરિવહન મંત્રાલય મળ્યું છે પરંતુ તેમને જળ સંસાધન મંત્રાલય આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય મળ્યું હતું. જો કે, 2021માં તેમની પાસેથી આ મંત્રાલય પણ પાછું લઈ લેવામાં આવ્યું હતું.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાજકીય નાટક ઊભું થયું હતું અને BJPએ એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવી, ત્યારે BJP તરફથી માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ દેખાતા હતા! એવી ચર્ચા થઈ હતી કે મહારાષ્ટ્રમાં BJPના સૌથી કદાવર નેતા હોવા છતાં ગડકરી આ બધાથી દૂર રહ્યા હતા. રાજકીય પંડિતો એવો ક્યાસ લગાવી રહ્યા છે કે નીતિન ગડકરીને પાર્ટીના રાજકારણથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોદી સરકારના ટોચના પર્ફોર્મિંગ મંત્રાલયોમાંનું એક છે, તેઓ જે રીતે કામ કરી રહ્યા છે એ જોતા તેમની પાસેથી મંત્રાલય પાછું લેવું સરકારને પોષાય તેમ નથી. સરકાર 2024 પહેલાં આવું કોઈ કદમ નહીં ઊઠાવે, ભલે ગડકરી કોઈ પણ નિવેદન આપતા રહે.
ગયા વર્ષે ઓગસ્ટમાં ગડકરી એવું બોલ્યા હતા કે ‘’હાલની સરકાર ફેંસલાઓ લેવામાં ખૂબ મોડું કરે છે.’’ રાજકીય નિષ્ણાતો માને છે કે નીતિન ગડકરીના નિવેદનોને એકબીજાથી અલગ અલગ કરીને આંકી ન શકાય પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં બેબાક નિવેદનો આપ્યા છે એ જોતાં એવું લાગે છે કે ગડકરી અને BJP હાઈકમાન્ડ વચ્ચે બધું બરાબર નથી.
આ પહેલાં 24 ડિસેમ્બર, 2018ના રોજ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો અને 3 રાજ્યોમાંથી સત્તા ગુમાવ્યા બાદ દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના વાર્ષિક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે ‘’જો પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સારું પર્ફોર્મ ન કરે તો તેની જવાબદારી પાર્ટીના વડાની હોય છે. અલબત્ત, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીની સામે આવા નિવેદન આપનારા તેઓ એકમાત્ર નેતા છે. તેઓ મુક્તપણે બોલે છે, તેમના મનમાં જે આવે છે તે બોલે છે પરંતુ તેઓ કોની સામે બોલે છે એ કળવું મુશ્કેલ છે! તેઓ જે કહે છે તે BJP માટે નહીં પણ અન્ય પક્ષોને પણ લાગુ પડે છે! લોકો માટે એ સમજવું ક્યારેક મુશ્કેલ બની જાય છે!
અલબત્ત, નીતિન ગડકરી BJPના કોઈ સામાન્ય નેતા નથી, તેઓ BJPના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પાર્ટીની અંદર તેમની પકડ કેટલી મજબૂત છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે BJPએ તેમને ફરીથી પ્રમુખ બનાવવા માટે તેમના બંધારણમાં ફેરફાર કર્યો હતો.
તાજેતરના નીતિન ગડકરીના નિવેદનને કોઈની વિરુદ્ધનું સમજવાની જરૂર નથી. રાજકીય પંડિતો કહે છે ગડકરીના તાજેતરના નિવેદનને એ રીતે આંકી શકાય કે તેઓ ઈચ્છે છે કે મતદાતાઓ તેમનું કામ જુએ અને મત આપે. તેઓ 2024માં વોટ માગવા લોકો પાસે નહીં જાય. આજે જે રીતે તેઓ પરિવહન ક્ષેત્રે ઝડપથી બદલાઈ રહેલી વૈશ્વિક ટેક્નોલોજી સાથે દેશ કદમ મિલાવી શકે તેના બધા પ્રયાસો કરી રહ્યા છે, તેમના કામમાં હવે ઝડપ દેખાઈ રહી છે. તેઓ પર્ફોર્મ કરી રહ્યા હોય ત્યારે રાજકારણ છોડી દે એ વાતમાં દમ નથી.
ગડકરી કેન્દ્રમાં મંત્રી બન્યા તે પહેલાં મહારાષ્ટ્રમાં મંત્રી હતા. એ વખતે મુંબઈમાં તેમણે ટ્રાફિકનું ભારણ ઘટાડવા એક સાથે 52 ફ્લાયઓવરનો પ્રોજેક્ટ મૂક્યો હતો અને એ કરીને દેખાડ્યું પણ હતું. ગડકરી પોતાના કામ અને મહેનતી શૈલી માટે જાણીતા છે. પાયાના સ્તરે તેમના કામના કારણે પાર્ટીમાં અને તેમના વિસ્તારમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે.
ગડકરી માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે તેઓ ગમે તેવા નિવેદન આપે તેમની સામે આજ સુધી કોઈ ટ્રોલ આર્મી પડી નથી! તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે નીતિન ગડકરીને ટ્રોલ કરવામાં આવ્યા. આનું કારણ રાજનીતિજ્ઞો એવું આપે છે કે નીતિન ગડકરી વર્તમાન સમયમાં કાર્યકરોમાં ખૂબ જ લોકપ્રિય નેતામાંના એક છે. આજે જ્યારે કેટલાક નેતાઓના દરવાજા કાર્યકરો માટે ખૂલતા નથી ત્યારે ગડકરી દરરોજ BJPના સેંકડો કાર્યકરો સાથે મોડી રાત સુધી બેઠકો ભરતા જોવા છે.
વરિષ્ઠ રાજકીય નિષ્ણાતો માને છે કે સંઘમાં મજબૂત હાજરી ધરાવતા ગડકરીને મોદી-શાહની BJPમાં સંપૂર્ણપણે બાજુ પર મૂકી શકાય નહીં. આનાથી સંઘ પરિવાર પણ નારાજ થઈ શકે છે. મોદી સરકારમાં એવા બહુ ઓછા મંત્રાલયો છે, જે તેમના મંત્રીઓ દ્વારા ચલાવવામાં આવે છે. ઉપરાંત જેમાં સીધા વડા પ્રધાન કાર્યાલય તરફથી આદેશો આવતા નથી. ખુદ મંત્રીઓ લે છે. ગડકરીનું પરિવહન મંત્રાલય તેમાંથી એક છે. તમે 2014 પહેલાં રોડ પર થયેલા કામ જુઓ અને હવે જુઓ. પહેલાં દેશમાં રોડનિર્માણની ઝડપ પ્રતિદિન 2 km હતી, આજે તે 28 kmથી વધુ છે. ગડકરી પરિવહન મંત્રી બન્યા ત્યારે તેમણે દરરોજ 60 km રોડ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.