નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર ભારતીય જેવલીન થ્રો (Javelin throw) એથ્લેટ નીરજ ચોપરા (Niraj)એ વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગ (World Athletic Ranking)માં મોટી છલાંગ લગાવીને બીજા ક્રમે પહોંચી ગયો છે.
પોતાના ડેબ્યુ ઓલિમ્પિક્સની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીતનાર નીરજના હવે કુલ રેન્કિંગ પોઇન્ટ (Ranking point) 1315 થયા છે. પહેલા ક્રમે જર્મનીનો જોહાનેસ વેટર 1396 પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે. ટોક્યો ગેમ્સ પહેલા નીરજની વર્લ્ડ રેન્કિંગ 16 હતી. વેટર માટે ટોક્યો ઓલિમ્પિક્સ એટલો ખાસ રહ્યો નહોતો. તે ઓલિમ્પિક્સ મેડલના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો, જો કે તે ટોપ 8માં પણ સ્થાન મેળવી શક્યો નહોતો. પોલેન્ડનો માર્સિન ક્રુકોવસ્કી 1302 પોઇન્ટની સાથે ત્રીજા જ્યારે ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ચેક પ્રજાસત્તાકનો જેકબ વાડલેજ 1298 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. જર્મનીનો જુલિયન વેબર 1291 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.
ઓલિમ્પિક્સમા ભારતનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલિસ્ટ (gold medalist) એવા નીરજે ટોક્યો ઓલિમ્પિક્સ ગેમ્સના 90.57 મીટરના રેકોર્ડને તોડવાનો (break record) પ્રયાસ કર્યો હતો પણ તે ત્યાં સુધી પહોંચી શક્યો નહોતો. નીરજે કહ્યું હતું કે ભાલા ફેંક એક ટેક્નીકલ સ્પર્ધા છે અને તે ઘણાં દિવસોના ફોર્મ પર નિર્ભર કરે છે. તેથી હવે મારૂં આગામી લક્ષ્ય 90 મીટરનું અંતર મેળવવાનું છે. તેણે કહ્યું હતું કે હું આ વર્ષે માત્ર ઓલિમ્પિક્સ પર જ ધ્યાન આપી રહ્યો હતો, હવે મેં ગોલ્ડ જીતી લીધો છે તો હું ભાવી સ્પર્ધાઓ માટે આયોજન કરીશ. ભારત પરત ફર્યા પછી હું ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિદેશી વિઝા મેળવવાનો પ્રયાસ કરીશ.
નીરજ 13 જુલાઇએ ગેટશીડ ડાયમંડ લીગ સ્પર્ધામાંથી હટ્યા પછી બોલ્યો હતો કે તે ઓલિમ્પિક્સ પછી આ ટોચના લેવલની એક દિવસની સીરિઝના બાકી બચેલા તબક્કાઓમાં ભાગ લઇ શકે છે. જેમાં 26 ઓગસ્ટ લુસાને, 28 ઓગસ્ટે પેરિસના તબક્કા ઉપરાંત 9 સપ્ટેમ્બરે જ્યુરિચમાં યોજાનારી ફાઇનલમાં પણ ભાલા ફેંક સ્પર્ધાને સામેલ કરાઇ છે.