ગાંધીનગર : ગુજરાતમાં સાયબર ગુનાઓ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને પોલીસની ટેકનિકલ કુશળતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અમરેલીની નામદાર અદાલતે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને સ્પેશિયલ કોર્ટે 7 વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકારતા સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ છે, જેના પરિણામે આ ઐતિહાસિક ચુકાદો શક્ય બન્યો છે.
કેવી રીતે આચરાયો હતો સાયબર ફ્રોડ
જૂન 2023માં ફરિયાદી પિયુષભાઈ ઠુમ્મર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી આરોપીએ પોતાને વિદેશી મિત્ર તરીકે રજૂ કરી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર કંપનીના ઇમેઈલ અને મોબાઈલ નંબરો મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. કસ્ટમ ડ્યુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ.14.09 લાખ પડાવી લીધા હતા.
ટેકનિકલ તપાસથી ખુલ્યો આંતરરાષ્ટ્રીય કનેક્શન
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ડિજિટલ ફૂટપ્રિન્ટ, મોબાઈલ નંબરોના CDR/SDR, ગૂગલ લોગિન ડેટા અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું હતું. આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટના આધારે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમે ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ અને 2 બોગસ પાસપોર્ટ જપ્ત કર્યા હતા.
કોર્ટનો કડક અભિગમ
ફોરેન્સિક સાયન્સ લેબ, ગાંધીનગરના રિપોર્ટ, CBDT અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાથેના પત્રવ્યવહાર સહિતના પુરાવાઓના આધારે અદાલતે આરોપીને IPC કલમ 420 હેઠળ 7 વર્ષની કેદ અને દંડ તથા IPC કલમ 467, 468, 471 અને IT એક્ટ કલમ 66(ડી) હેઠળ દોષિત ઠેરવ્યો છે. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા 11 સાક્ષીઓ, 142 દસ્તાવેજી પુરાવા અને NCRBના ડેટાની અસરકારક રજૂઆત સ્પેશિયલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,“ સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો સાયબર ગુનેગારો માટે કડક ચેતવણી છે. ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં. ગુજરાત પોલીસ ડિજિટલ યુગમાં નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે.”