National

દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ માટે NIAએ 10 સભ્યોની ટીમ બનાવી, ADG વિજય સખારે કમાન સંભાળશે

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટની તપાસની કમાન હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. ગૃહ મંત્રાલયે આ કેસ NIAને સોંપતા એજન્સીએ તરત જ 10 સભ્યોની ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. જેનું નેતૃત્વ ADG વિજય સખારે કરશે. આ ટીમ દિલ્હી વિસ્ફોટના રહસ્યો ઉકેલવા અને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

આ 10 સભ્યોની ટીમમાં એક IG, બે DIG, ત્રણ SP અને અન્ય DSP સ્તરના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમને વિસ્ફોટની જગ્યાથી મળી આવેલ પુરાવાઓ, શંકાસ્પદોના ડિજિટલ ડેટા અને આતંકી સંગઠનો વચ્ચેના કનેક્શનની વિગતવાર તપાસ સોંપવામાં આવી છે.

ADG વિજય સખારે કોણ છે?
વિજય સખારે કેરળ કેડરના 1996 બેચના IPS અધિકારી છે. તેઓ તેમની ઈમાનદાર અને વ્યાવસાયિક તપાસ માટે જાણીતા છે. 2022માં તેઓને પાંચ વર્ષના ડેપ્યુટેશન પર NIAમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમને એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

વિજય સખારે અગાઉ કેરળ પોલીસમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. જેમ કે કોચી શહેર પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકે. તેઓએ અનેક હાઈ-પ્રોફાઈલ હત્યા અને આતંકવાદી કેસોની પણસફળ તપાસ કરી છે.

તેમણે પોલીસ સેવા દરમિયાન પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ એક સારા ટેનિસ અને ક્રિકેટ ખેલાડી તરીકે પણ ઓળખાય છે.

NIAની તપાસની નવી દિશા
દિલ્હી વિસ્ફોટોની તપાસ માટે આજ રોજ બુધવારે NIAના ડિરેક્ટર જનરલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડાએ એક બેઠક યોજી હતી. એજન્સી હવે દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી જૈશ-એ-મોહમ્મદ આતંકી મોડ્યુલ સંબંધિત તમામ ફાઈલ અને કેસ ડાયરી જપ્ત કરશે.

સૂત્રો જણાવે છે કે તપાસમાં ઉત્તર પ્રદેશ ATSની પણ મદદ લેવામાં આવશે. વિજય સખારેના નેતૃત્વમાં NIA હવે આ કેસને ઉકેલવા માટે પૂરજોર પ્રયાસ કરશે.

Most Popular

To Top