Vadodara

NHAIએ 29 જાન્યુઆરીએ વિશ્વામિત્રી પર બ્રિજનું કામ શરૂ કર્યું, VMCને હવે ખબર પડી!

હાઇ-વે પર બ્રિજની કામગીરી માટે પાલિકાની મંજૂરી જરૂરી નથી: NHAI
વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી વચ્ચે હાઇવે ઓથોરિટીનો અવરોધ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા અને પૂર નિવારણ માટે ઉંડા કરવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રયત્નો વચ્ચે નેશનલ હાઇ-વે ઓથોરિટી (NHAI) દ્વારા વેમાલી પાસે નદી પર બ્રિજ નિર્માણ માટે રાખવામાં આવેલી મશીનરી અને કામચલાઉ એપ્રોચ-વે નદીના વહેણ માટે અવરોધરૂપ બન્યા છે. આ ઘટનાથી VMC અને NHAI વચ્ચે સંકલનનો અભાવ હોવાના સંકેત મળી રહ્યા છે. વેમાલી નજીક NHAI દ્વારા હાઇ-વેને સિક્સ-લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ હેઠળ એક રિવર ઓવર બ્રિજ પણ નિર્માણાધીન છે. બ્રિજ માટે જરૂરી મશીનરી, કન્સ્ટ્રક્શન સામગ્રી અને કામચલાઉ એપ્રોચ-વે નદીના પટમાં બનાવાતા, નદીની પહોળાઈ ઓછી થઈ ગઈ છે. VMC દ્વારા નદીની સફાઈ અને પહોળી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ NHAIની કામગીરી આ પ્રક્રિયામાં વિક્ષેપ સર્જી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રીએ તાબડતોબ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.




સંકલનમાં રહી ચોમાસા પહેલા અવરોધો દૂર કરાશે

વિશ્વામિત્રી પ્રોજેક્ટના રીવ્યુ દરમિયાન માલૂમ થયું કે, વેમાલી પાસે NHAI દ્વારા જે બ્રીજની કામગીરી ચાલી રહી છે તેમાં એક કોઝ વે બનાવાયો છે. જેના લીધે નદીના પાણીમાં રુકાવટ આવી શકે. NHAI સાથે થયેલી વાતચીત મુજબ કોર્પોરેશન સાથે તેઓ સંકલનમાં રહી ચોમાસા પહેલા આ અવરોધો દૂર કરી વિશ્વામિત્રી નદીનો વહેવટ સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે.


NHAI ચોમાસા પહેલા કામ પૂર્ણ કરે : મ્યુ. કમિશનર

ચોમાસું આવતા પહેલા આ બધુ ક્લિયર કરાવી દેવામાં આવશે. NHAI ના અધિકારીઓ સાથે વાત થઈ છે. મે તેમણે કહ્યું છે કે, વિશ્વામિત્રી નદીમાં મગરનો વસવાટ છે ત્યારે NHAI એ NGT અને વાઇલ્ડ લાઇફ પરમિશન ને બધું જોઈ લેવા કહ્યું છે. હાલ તેમણે વિશ્વામિત્રી બ્લોક કરી છે મારી ફક્ત એક જ વાત છે કે, ચોમાસા પહેલા NHAI ની જે પણ કઈ કામગીરી હોય તે પૂર્ણ થાય. મે NHAI ના અધિકારીઓ સાથે પણ આ બાબતે જ ચર્ચા કરી છે કે, ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય. – દિલીપ રાણા, મ્યુનિસપિલ કમિશનર



વિશ્વામિત્રી નદી સહિત NHAI એ 14 બ્રિજનું કામ શરૂ કર્યું

NHAI દ્વારા 29 જાન્યુઆરીથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ જગ્યાએ કુલ 14 બ્રિજના કામ ચાલી રહ્યા છે. પાલિકા સાથે વિશ્વામિત્રી પ્રોજેકટ અંગે અમારી કોઈ ચર્ચા થઈ નથી. હાલ અમે જે બ્રીજની કામગીરી કરી રહ્યા છીએ તે અમારી પ્રમાઇસીસમાં જ થઈ રહી છે એટલે અમારે VMC ને જાણ કરવાની કોઈ વાત આવતી જ નથી. હાલ જે અમે કામગીરી શરૂ કરી છે તેમાં બ્રિજના પીઅરની કામગીરી શરૂ થશે અને ચોમાસા પહેલા પીઅર બહાર પણ આવી જશે. જો VMC અમને કોઈ નોટિસ આપશે તો અમે એનો જવાબ આપીશું. – હાઈવે અધિકારી

Most Popular

To Top