કન્ટેનરમાંથી પિકઅપમાં દારૂ ઉતારતા રંગેહાથ ઝડપાયા ચાર આરોપી, કુલ 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર હરણી પોલીસે દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. દેણા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફના સર્વિસ રોડ પરથી મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી મહિન્દ્રા પિકઅપ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન હરણી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચારેય આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે 4,498 બોટલ અને ટીન સાથે રૂ.23.06 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત મોબાઇલ ફોન, કન્ટેનર ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂ.36.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.