Sports

IND-NZ ફાઇનલ: અભિષેક-સેમસનની આક્રમક શરૂઆત બાદ કિવી બોલરોની વાપસી, ભારતનો સ્કોર – 255/5

T20 વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મહત્વપૂર્ણ મુકાબલામાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે ટીમ પહેલા બેટિંગ કરવા તૈયાર હતી. ભારત માટે પ્લેઇંગ-11 યથાવત રાખવામાં આવી છે અને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલ મેકોન્ચીની જગ્યાએ જેકબ ડફીને ટીમમાં સ્થાન આપ્યું છે. ફાઈનલ પહેલાં ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન જેવી રમત બતાવવાની સલાહ આપી હતી. જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ટીમ ઈન્ડિયામાં ફાયરપાવર ઓછું હોવાની ટિપ્પણી કરી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલમાં શરૂઆતમાં ભારતીય ટીમે 16 બોલ સુધી કોઈ બાઉન્ડ્રી નોંધાવી નહોતી. પરંતુ તિલક વર્માની બાઉન્ડ્રી અને હાર્દિક પંડ્યાના છગ્ગા પછી ટીમે ઝડપ પકડી. જોકે હાર્દિકની વિકેટ પડતા ન્યૂઝીલેન્ડે ફરી દબાણ બનાવ્યું અને કિવી ટીમ હવે ભારતને 250થી ઓછી સ્કોર પર રોકવાનો પ્રયાસ કરી રહી છે. મેચ દરમિયાન ઈશાન કિશન અને સંજુ સેમસને ભારતીય ઇનિંગને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી. કિશને માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી, જ્યારે સેમસન સાથે મળીને સદીની ભાગીદારી નોંધાવી. ભારતે પાંચ ઓવર બાકી હોય ત્યારે જ 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. સેમસન 46 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમીને આઉટ થયો.

અભિષેક શર્માએ પણ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી અને 52 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી. અભિષેક અને સેમસનની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ 92 રન ઉમેર્યા અને 8 ઓવરમાં ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો. સેમસન અને કિશનની જોડીએ માત્ર 26 બોલમાં અડધી સદીની ભાગીદારી નોંધાવી. ટીમે 12મી ઓવરમાં 150 રનનો આંકડો પાર કરી દીધો, જે ભારતીય બેટિંગની આક્રમકતા દર્શાવે છે. જોકે, મેચમાં ન્યૂઝીલેન્ડે પણ જોરદાર વાપસી કરી. જીમી નીશમે એક જ ઓવરમાં ઈશાન કિશન, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મેચમાં ફરી ઉત્સાહ ભરી દીધો. સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો. આ રીતે બંને ટીમો વચ્ચે ફાઈનલમાં રોમાંચક ટક્કર જોવા મળી રહી છે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11:

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, જિમી નીશમ, મેટ હેનરી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન.

Most Popular

To Top