Editorial

દાયકાઓ પહેલાંના બનાવો બદલ જાહેર માફી માગવાનું ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનનું વર્તન ખૂબ સરાહનીય છે

દક્ષિણ ગોળાર્ધના નાનકડા પણ સમૃદ્ધ દેશ ન્યૂઝીલેન્ડમાં હાલમાં એક મહત્ત્વની ઘટના બની ગઇ. ઘટના આમ તો નાની જણાય છે, પણ વિવિધ પાસાંઓથી વિચારવામાં આવે તો ઘણી મહત્ત્વની છે. આજથી ચાર દાયકા કરતાં વધુ સમય પહેલાં ન્યૂઝીલેન્ડમાં જે ઘટનાઓ બની હતી તેના બદલ ન્યૂઝીલેન્ડના હાલના વડા પ્રધાને જાહેર માફી માગી હતી. ન્યૂઝીલેન્ડમાં રોજગારી માટે આવેલા અને વીઝા પૂરા થઇ ગયા બાદ પણ રોકાઇ ગયેલા પેસિફિક મહાસાગરના કેટલાક ટાપુઓના વતનીઓને ન્યૂઝીલેન્ડમાંથી ૧૯૭૦ ના દાયકા દરમ્યાન અપમાન કરીને સ્વદેશ પરત મોકલી દેવાયા હતા, તે સમયે તેમના કરાયેલા અપમાન બદલ ન્યૂઝીલેન્ડના હાલના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને એક ખાસ સમારંભ યોજીને એક પરંપરાગત વિધિ મુજબ માફી માગી હતી, જેમાં માફી માગનારે એક અપમાનિત થવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

પેસિફિક મહાસાગરના ફીજી, સમોઆ, ટોન્ગા વગેરે ટાપુઓ પરથી ન્યૂઝીલેન્ડમાં કામ કરવા માટે આવતા લોકોમાંથી કેટલાક લોકો વીઝા પૂરા થઇ ગયા બાદ પણ રોકાઇ ગયા હોય તેવાં લોકોને ૧૯૭૪ થી ૧૯૭૬ દરમ્યાન ન્યૂઝીલેન્ડની સરકારે દેશમાંથી બહાર કાઢવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું હતું. જો કે આ લોકોની હકાલપટ્ટી અપમાનજનક રીતે કરવામાં આવતી હતી. આવાં લોકોના ઘરો પર વહેલી સવારે કે મોડી રાત્રે દરોડા પાડવામાં આવતા હતા અને તેમને ઘરોમાંથી બહાર ખેંચી કાઢવામાં આવતાં હતાં. વહેલી સવારે દરોડા પાડવામાં આવતા હોવાથી આ દરોડાઓ ડૉન રેઇડ્સ(સૂર્યોદયના દરોડાઓ) તરીકે જાણીતા થયા હતા.

આવી રીતે અપમાનિત કરીને તે સમયે અનેક લોકોને ન્યૂઝીલેન્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અપમાન બદલ ન્યૂઝીલેન્ડના હાલના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેન, કે જેઓ પોતાના માનવતાવાદી વલણ માટે ખૂબ જાણીતા છે તેમણે એક ખાસ સમારંભ યોજીને પેસિફિક ટાપુઓના લોકોની માફી માગી હતી. આ વિસ્તારમાં ઇફોગા નામે ઓળખાતી એક પરંપરાગત માફી માગવાની વિધિ ઓકલેન્ડ શહેરના ટાઉન હોલમાં યોજવામાં આવી હતી. આ વિધિમાં માફી માગનાર વ્યક્તિનું આખું શરીર ચટાઇ કે સાદડી વડે ઢાંકી દેવામાં આવે છે. સમારંભમાં પેસિફિક ટાપુઓના વતની એવાં કેટલાંક લોકો હાજર રહ્યાં હતાં અને તેમની સમક્ષ જેસિન્ડા આર્ડેન બેઠા હતા અને તેમના સહાયકોએ આર્ડેનને સાદડીથી ઢાંકી દીધા હતા અને આર્ડેને ન્યૂઝીલેન્ડની તે સમયની સરકારના વર્તન બદલ પેસિફિક ટાપુઓના લોકોની માફી માગી હતી.

આમ તો માફી માગવાની ક્રિયાઓ વિશ્વના અન્ય દેશોએ પણ કરી છે. ભારતમાં દાયકાઓ પહેલાં બનેલા જલિયાંવાલા બાગના હત્યાકાંડ બદલ બ્રિટને હાલ થોડાં વર્ષ પહેલાં ભારતની માફી માગી છે. તે સમયના બ્રિટિશ શાસન દરમ્યાન જનરલ ડાયરે આ હત્યાકાંડ આચર્યો હતો અને તે હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોને તો આ માફીથી કોઇ ફેર પડવાનો નથી, તેમનાં પરિવારજનોએ જે સહન કરવું પડ્યું છે તે પણ ઉલટાવી શકાય તેમ નથી. પણ માફી માગવાની આ ક્રિયાથી કંઇક પશ્ચાત્તાપ થયો હોવાનું જણાઇ આવે તે પણ ઘણું છે. પણ આવી માફી માગવાની ક્રિયા અને જેસિન્ડાએ જે કર્યું તેમાં થોડો તફાવત પણ છે. જેસિન્ડા આર્ડેને દાયકાઓ પહેલાંના શાસકોની ભૂલ બદલ પોતે અપમાનિત થવાનુ઼ં પસંદ કર્યું છે જે વિશ્વનેતાઓના સંદર્ભમાં જોઇએ તો કદાચ અભૂતપૂર્વ છે. ઇફોગા એ દક્ષિણ પેસિફિકના કેટલાક વિસ્તારોની પરંપરાગત માફી માગવાની વિધિ છે અને જેસિન્ડા આર્ડેને તેમાંથી પસાર થવાનું પસંદ કર્યું છે.

આ જ જેસિન્ડા આર્ડેને ક્રાઇસ્ટ ચર્ચ શહેરની બે મસ્જિદોમાં મુસ્લિમોના કરવામાં આવેલા હત્યાકાંડ વખતે પણ મૃતકો અને ઇજાગ્રસ્તોનાં મુસ્લિમ કુટુંબીજનોને રૂબરૂ મળીને આશ્વાસન પાઠવ્યું હતું. ન્યૂઝીલેન્ડના મોટા ભાગનાં લોકોએ પણ તેમના આ વર્તનને ટેકો આપ્યો હતો. ભાગ્યે જ કોઇ ખ્રિસ્તીઓએ વિરોધનો સૂર કાઢ્યો હતો. વિશ્વમાં જ્યારે હાલ સંકુચિતતા વધી છે અને વિશ્વના ઘણા નેતાઓ આવી બાબતોની પરવા પણ નથી કરતા ત્યારે જેસિન્ડા આર્ડેન અને તેમના દેશના બહુમતી પ્રજાજનોનું વર્તન ખૂબ જ સરાહનીય છે અને વિશ્વભરના નેતાઓ અને પ્રજાઓ માટે અનુકરણીય છે.

Most Popular

To Top