Entertainment

‘ઓયે ઓયે’ વિવાદમાં નવો વળાંક: ત્રિદેવના ગીતો વિના પરવાનગી ઉપયોગ કર્યાનો Aditya Dhar પર ગંભીર આરોપ

હિન્દી ફિલ્મ ઉદ્યોગ ફરી એકવાર કોપીરાઈટ અને સર્જનાત્મક અધિકારોને લઈને ટીકાનો ભોગ બન્યો છે. પ્રખ્યાત દિગ્દર્શક રાજીવ રાયે ફિલ્મ ધુરંધર 2 ના નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ત્રિદેવ, મોહરા અને વિશ્વાત્મા જેવી હિટ ફિલ્મો બનાવી ચૂકેલા રાજીવ રાયે કહ્યું છે કે તેમની ફિલ્મ ‘ત્રિદેવ’ ના લોકપ્રિય ગીતો ઓયે ઓયે અને તિરછી ટોપી વાલેનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો છે. રાજીવ રાયે કહ્યું કે આ ઘટના “ક્રિએટીવિટીની ચોરી” છે. તેમના મતે, આદિત્ય ધર અને તેમની ટીમે યોગ્ય લાઇસન્સ કે અધિકારો લીધા વિના આ ગીતોનું રિમિક્સ કર્યું છે અને તેમની ફિલ્મમાં તેનો ઉપયોગ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ધુરંધર 2’ નું ગીત ‘રંગ દે લાલ’ વાસ્તવમાં ‘ત્રિદેવ’ ના પ્રખ્યાત ટ્રેક ‘ઓયે ઓયે’ નું પુનઃનિર્મિત સંસ્કરણ છે. આ મુદ્દો પ્રકાશમાં આવ્યા પછી વિવાદ વધુ તીવ્ર બન્યો છે. રાજીવ રાયની પ્રોડક્શન કંપનીએ પણ આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને કેસ કોર્ટમાં પહોંચ્યો છે. રાજીવ રાયે કહ્યું કે આ ફક્ત એક ગીતનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર સર્જનાત્મક ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે આજે રિમેક અને રિમિક્સ નામે જૂના ગીતોની મૂળ ઓળખ બદલી નાખવામાં આવી રહી છે, જે મૂળ સર્જકો માટે વાજબી નથી.

આખો મામલો હવે કાનૂની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ વિવાદિત મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સમગ્ર કેસને ગંભીરતાથી લઈને પોતાની રીતે આ કેસનો નીવેડો લાવવા માટે કહ્યું છે.  ‘ત્રિદેવ’ બનાવનાર રાજીવ રાયની કંપનીએ ફિલ્મ ‘ધુરંધર-2’ના દિગ્દર્શક આદિત્ય ધરની પ્રોડક્શન કંપની B62 સામે કેસ દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે બંને પક્ષોને આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાની સલાહ આપી છે. ઉપરાંત, કોર્ટે આ મામલે વરિષ્ઠ મધ્યસ્થીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જેથી બંને પક્ષો સાથે વાત કરીને ઉકેલ શોધી શકાય. કોર્ટના આ નિર્ણયનો ઉદ્દેશ્ય લાંબી કાનૂની પ્રક્રિયાને ટાળીને શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવાનો છે. મધ્યસ્થીઓ હવે બંને પક્ષો સાથે ચર્ચા કરશે અને મામલો ઉકેલવાનો માર્ગ શોધશે.

હાલમાં, આ વિવાદનો અંતિમ પરિણામ મધ્યસ્થી પ્રક્રિયા પર આધાર રાખે છે. જો કોઈ કરાર થાય છે, તો આ મામલો કોર્ટની બહાર ઉકેલી શકાય છે, અન્યથા કેસ આગળની કાનૂની કાર્યવાહી તરફ આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે જો આવી પ્રવૃત્તિઓ બંધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મૂળ સામગ્રી બનાવનારાઓ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હાલમાં, આ આરોપો પર ‘ધુરંધર 2’ ની ટીમ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, પરંતુ આ વિવાદને કારણે તેની છબી પ્રભાવિત થવાની સંભાવના છે.

Most Popular

To Top