SURAT

ઓડિશા આંગણવાડી કૌભાંડમાં નવો વળાંક,સુરતના વેપારીની નકલી સહીથી બોગસ ભાગીદારી ડીડનો દાવો

ઓડિશામાં આંગણવાડી રિનોવેશન કૌભાંડ મામલે સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવાયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. થોડા સમય પહેલા સીઆઈડી દ્વારા ધરપકડ કરાયેલા શાશ્વત શાહના વકીલ વિલાસ પાટીલએ દાવો કર્યો છે કે રજૂ કરાયેલી ભાગીદારી ડીડમાં કરવામાં આવેલી સહી ખોટી છે અને તે બાબત સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં પુરવાર થઈ ચૂકી છે.

વકીલના જણાવ્યા મુજબ, શાશ્વત શાહની ઓરિજિનલ કંપની ‘ક્યુપ્રાઇટ ઇન્ફોટેક’, જે વર્ષ 2014થી કાર્યરત છે, તેના નામે જ ડુપ્લીકેટ કંપની ઉભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું. આ ડુપ્લીકેટ કંપનીના નામે ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશન કામ માટેના કરોડો રૂપિયાના પેમેન્ટ ટ્રાન્સફર કરાયા હોવાનો દાવો છે. આશ્ચર્યજનક રીતે, ડુપ્લીકેટ કંપનીનો જીએસટી નંબર આવે તે પહેલાં જ મોટી રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત, જ્યારે ઓરિજિનલ કંપનીના એચડીએફસી બેંક ખાતામાં અંદાજે 10.67 કરોડ રૂપિયા જમા થયા,ત્યારે ડુપ્લીકેટ કંપની સાથે સંકળાયેલા ભાગીદારોએ નાસિક ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં અરજી કરી આ રકમ ફ્રિઝ કરાવી દીધી હોવાનું વકીલનો આક્ષેપ છે.જો કે આ સમગ્ર કેસનો આધાર બનેલી ‘સુધારાની ભાગીદારી ડીડ’ અંગે શાશ્વત શાહનો દાવો છે કે તે સમય દરમિયાન તેઓ ઓડિશામાં હતા અને સુરતમાં હાજર જ નહોતા. જૂન 2025માં આવેલી FSL રિપોર્ટ મુજબ નોટરી રજીસ્ટરમાં કરાયેલી સહીઓ તેમની નથી, જેનાથી દસ્તાવેજો ખોટા હોવાની પુષ્ટિ થાય છે.

FSL રિપોર્ટ બાદ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી ન થવા અંગે પ્રશ્નો ઊભા થયા છે. વકીલ વિલાસ પાટીલએ દાવો કર્યો છે કે ઉતાવળમાં કરાયેલી ધરપકડ ફરિયાદીને દબાણમાં લેવા માટે હતી. હવે આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top