રાજ્યના ઉદ્યોગોને સ્થાનિક કક્ષાએ જ પરીક્ષણ અને ગુણવત્તા મૂલ્યાંકનની આધુનિક સુવિધા મળશે
ગાંધીનગર,તા.10
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ઉદ્યોગ વિકાસને વધુ વેગ આપવા માટે સતત પ્રોત્સાહક પહેલો કરી રહી છે. તે દિશામાં ગાંધીનગર સ્થિત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર ખાતે ઉર્જા પ્રયોગશાળા, પરિષદ ખંડ અને તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું.
ડૉ ગામિતે ઈક્યૂડીસીની સુવિધાઓ દર્શાવતી તકતીનું અનાવરણ કરી આ નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ ઉર્જા પ્રયોગશાળાનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કર્યું હતું. આ નવી સુવિધાઓ શરૂ થવાથી રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ મળશે.પીએમ નરેન્દ્ર મોદીના “મેક ઈન ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા” અને “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” જેવા મંત્રોને આગળ વધારતા રાજ્ય સરકારે ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સ માટે અનેક પ્રોત્સાહક પહેલો કરી છે. તેના અનુસંધાને ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઈક્યૂડીસી ખાતે રાજ્યના ઉદ્યોગોને ટેકનિકલ સહાયતા પૂરી પાડવા આ ત્રણ મહત્વપૂર્ણ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

ઈક્યૂડીસી ખાતે શરૂ કરાયેલી ઉર્જા પ્રયોગશાળામાં વીજ વિતરણ કંપનીઓમાં ઉપયોગ થતી કેબલ્સ, ઉર્જા મીટર, વિતરણટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર તેમજ અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના કારણે ઊર્જા કાર્યક્ષમતા, ઇલેક્ટ્રિકલ ગુણવત્તા, પરીક્ષણ અને વિશ્લેષણ જેવી કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહેશે. ઉદ્યોગોને હવે તેમના ઉત્પાદનો અને સિસ્ટમ્સનું પરીક્ષણ સ્થાનિક કક્ષાએ જ કરવાની સુવિધા મળશે.
ઉદ્યોગ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવેલ તાલીમ કેન્દ્ર ઉદ્યોગકારો, ઇજનેરો, ટેકનિશિયન તેમજ વિદ્યાર્થીઓ માટે કુશળતા વિકાસનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. અહીં ઊર્જા વ્યવસ્થાપન, ઇલેક્ટ્રિકલ સલામતી, નવી અને નવતર ઊર્જા તકનીકો તેમજ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી આધુનિક ટેકનિકલ તાલીમ આપવામાં આવશે.
આ ઉપરાંત આધુનિક પરિષદ ખંડ ઉદ્યોગકારો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને વિચાર-વિમર્શ માટે ઉપયોગી બનશે. ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રમાં નવા વિચારો, નવી ટેકનોલોજી અને નીતિઓ અંગે ચર્ચા માટે આ સુવિધા મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.રાજય સરકારે “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ના સંકલ્પ સાથે ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે. ઈક્યૂડીસી ખાતે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ રાજ્યના ઊર્જા ક્ષેત્ર, એમએસએમઈ ઉદ્યોગો અને ટેકનિકલ માનવસંસાધન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતને ઊર્જા કાર્યક્ષમતા તથા ઉદ્યોગ વિકાસમાં વધુ આગેવાન બનાવવામાં સહાયક બનશે.