સુરત: સુરત શહેર અને જિલ્લા (Surat city and district)માં હવે બાયો-ડિઝલ (bio-diesel)ના નામે લોકોને ભળતું ઇંધણ (mix-fuel) પકડાવવાનું નવું કૌભાંડ (scam) શરુ થયું છે. પુરવઠા વિભાગની તપાસમાં સુરતના 15 માંથી 12 પંપના સેમ્પલ ફેઇલ (sample fail) અને બાયો-ડિઝલને બદલે ભળતા કેમિકલ (chemical) વેચવામાં આવતાં હોવાનું બહાર આવ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં વિતેલા કેટલાક સમયથી બાયો-ડિઝલના નામે એક સુનિયોજીત કૌભાંડ શરુ થયું છે. વર્ષો પહેલા જે રીતે પેટ્રોલમાં ભેળસેળની ચાલાકી કરવામાં આવતી હતી તે હવે બાયો-ડિઝલમાં શરૂ થઈ ગઈ છે. સુરત શહેર અને જિલ્લામાં ધમધમતા આવતા બાયો-ડિઝલ પંપ ખતરાની ઘંટડી સમાન સાબિત થઇ રહ્યાં છે. દેશ વિદેશના હવામાન વિજ્ઞાનીઓ કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સતત ચેતવણી આપી રહ્યાં છે. તેમ છતાં પણ રૂપિયા ઉસેટવાની હોડમાં કેટલાંક તત્વો પયાર્વરણ અને માનવ શરીરને ભયાનક નુકશાન કરે તેવી હરકતો કરી રહ્યાં છે. પર્યાવરણને અત્યાર સુધી થયેલું નુકસાન ભરપાઈ થઈ શક્યું નથી. તેમાં વળી બાયો-ડિઝલની નવી ઉપાધિ આવી છે.
પેટ્રોલ અને ડિઝલના સસ્તા ઇંધણના વિકલ્પ તરીકે બાયો-ડિઝલનો વપરાશ શરૂ થયો હતો. પરંતુ કૌભાડીઓએ બાયો-ડિઝલને ભેળસેળયુકત કરી નાંખ્યું છે. આ વાતનો ઘટસ્ફોટ જિલ્લા પુરવઠા વિભાગની તપાસમાં થયો છે. સુરત જિલ્લા પુરવઠા વિભાગની ટીમે મહિના દોઢ મહિના પહેલા સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ બાયો-ડિઝલ પંપ ઉપરથી નમૂના લીધા હતા. પુરવઠા વિભાગના સૂત્રોના કહેવાનુસાર 27 જેટલા નમૂનાઓ પૈકી 15 નમૂનાના રિપોર્ટસ આવી ગયા છે. રાજયની ફોરેનિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાયેલા 15 નમૂનાઓ પૈકી 12 નમૂના ફેઇલ સાબિત થયા છે. આ સેમ્પલમાં બાયો-ડિઝલને બદલે ભળતું જ કેમિકલ મિશ્રણ હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને જિલ્લા પુરવઠા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પુરવઠા વિભાગે આ પંપના માલિકો સામે ગાળિયો મજબૂત કરવા કમર કસી છે. આગામી દિવસોમાં આ રિપોર્ટ કલેકટરના ટેબલ ઉપર પહોંચશે. પછી કલેકટરની સૂચના બાદ પર્યાવરણ અને માનવજીવન માટે ખતરો પેદા કરી રહેલા તત્વો સામે કડક હાથે પગલા ભરાશે.
બાયો-ડિઝલમાં ભેળસેળથી ફેંફસાના રોગ થઇ શકે: રસાયણશાસ્ત્રી પ્રો.ડો.બી.ટી.ઠાકર
શહેરની વીર નર્મદ યુનિ.ના વરિષ્ઠ રસાયણશાસ્ત્રી પ્રો.ડો.બી.ટી.ઠાકર સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, બાયો-ડિઝલમાં ભેળસેળ ભયાનક બાબત છે. ભેળસેળયુકત બાયો-ડિઝલમાં મોટાભાગે એવા તત્વો હોઇ શકે છે જેનું દહન થતું નથી અને આબોહવામાં છુટથી ભળી જાય. તેમાં સલ્ફર ડાયોકસાઇડ, નાઇટ્રસ ઓકસાઇડ, નાઇટ્રિક ઓકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, કાર્બન ડાયોકસાઇડ સહિત કાર્બનિકલ એલિમેન્ટ્સ હોય છે. એલિમેન્ટમાં એવા ઓકસાઇડ હોય છે. જે નુકશાનકારક છે. જે વાહનોમાં આ ભેળસેળયુકત બાયો-ડિઝલ ભરાવવામાં આવે તેનું એન્જિન પૂરેપુરી ક્ષમતાથી કામ કરી શકે નહિં, તે ઉપરાંત બાયો-ડિઝલમાંથી વછૂટતા દહન વગરના તત્વો કેન્સર નોંતરી શકે છે. હવામાનમાં આ તત્વો ભળવાથી સ્કિન ડિસીઝ સહિત ફેંફસાના ગંભીરથી અતિગંભીર રોગ થઇ શકે છે.
બાયોડિઝલ ઇંધણના 3 માપદંડોમાં ફેઇલ હાઇડ્રોકાર્બનની અછત
સુરત જિલ્લા પુરવઠા વિભાગે એકત્ર કરેલા બાયોડિઝલના નમૂનાઓ પૈકી જે 12 નમૂના ફેઇલ થયા છે તેમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બનની ઉણપ જણાઇ હતી. તે ઉપરાંત ઇંધણના સામાન્ય રીતે તપાસ માટેના જે 3 માપદંડ છે તેમાં પણ આ સેમ્પલ ફેઇલ થયા છે. સૂત્રોનું માનીએ તો બાયો-ડિઝલના સેમ્પલ ડેનસિટી, વિસ્કોસિટી અને ફલેશપોઇન્ટમાં ફેઇલ થયાં છે.
વરાછા સહિત કામરેજ, બારડોલી અને માંગરોલ કીમ વિસ્તારમાં મોટાભાગે પંપ ચાલે છે
સુરત શહેરના વરાછા સહિત કામરેજ, બારડોલી, માંગરોલ અને કીમ સહિત ઓલપાડ તાલુકામાં ઠેરઠેર બાયો-ડિઝલ પંપ ધમધમે છે. આ પંપના સેમ્પલનું કાઉન્ટ ડાઉન ચાલુ થઇ ગયું છે. આ વિસ્તારોમાં ચાલતા પંપમાં મોટાપાયે ગરબડી ચાલે છે.