World

ભારત-ઇઝરાયલ સંબંધોને નવો વેગ: મોદી-નેતન્યાહૂ બેઠકમાં રક્ષાથી ટેકનોલોજી સુધી અનેક MoU પર સહી

નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસે ગયા છે એનો આજે બીજો દિવસ છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળી છે. વડાપ્રધાને બેન્જામિન નેતન્યાહૂ સાથે 26 ફેબ્રુઆરીના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા. બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને “મિત્ર” કહી સંબોધન કર્યું અને ઇઝરાયલ તરફથી મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે 9 વર્ષ પહેલા થયેલા પ્રવાસ બાદ આ તેમનો બીજો ભાવુકતાભર્યો પ્રવાસ છે. સંસદમાં સંબોધન કરવાની તક અને “સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ” મળવા બદલ તેમણે આ સન્માન 140 કરોડ ભારતીયો અને ભારત-ઇઝરાયલ મિત્રતાને સમર્પિત કર્યું.

બંને દેશોએ પોતાની ભાગીદારીને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજી ક્ષેત્રે, ખાસ કરીને AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સમાં સહયોગ વધારવામાં આવશે. શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયા-ઈઝરાયલ એકેડેમિક ફોરમ’ની સ્થાપના થશે. ભારતમાં ઇઝરાયલના સહયોગથી કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને 100 સુધી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી છે, તેમ જ ‘વિલેજ ઓફ એક્સેલન્સ’ સ્થાપી ઈઝરાયલની આધુનિક કૃષિ ટેકનોલોજી ગામડાઓ સુધી પહોંચાડાશે. રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે અનેક MoU પર સહી કરવામાં આવી છે. સાથે સાથે આતંકવાદ વિરુદ્ધ ખભેખભા મિલાવીને કામ કરવાની પણ સમજૂતી થઈ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ટૂંક સમયમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને અંતિમ રૂપ આપવામાં આવશે. કેર ગિવર્સ સહયોગને કોમર્સ અને સર્વિસ ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવામાં આવશે. ‘ફ્યુચર રેડી ફાર્મિંગ’ તરફ બંને દેશો આગળ વધશે, જેથી આધુનિક ખેતી પદ્ધતિઓનો લાભ ખેડુતોને મળશે. આ ઉપરાંત India-Middle East-Europe Economic Corridor (IMEC) અને I2U2 Group જેવી વૈશ્વિક પહેલોને નવી ગતિ આપવામાં આવશે. બંને દેશો લોકોથી લોકો સુધી જોડાણ મજબૂત કરવા વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર પણ કાર્ય કરશે. આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સહયોગ હવે માત્ર રક્ષા સુધી સીમિત ન રહેતા, ટેકનોલોજી, કૃષિ અને વૈશ્વિક આર્થિક પહેલો સુધી વિસ્તર્યો છે.

Most Popular

To Top