કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયથી ફૂડ ઈન્ડસ્ટ્રી અને નાના ઉદ્યોગોને મોટી રાહત મળવાની છે. 23 માર્ચ 2026થી અમલમાં આવનાર નવા નિયમો મુજબ, કોમર્શિયલ LPGના જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જે લાંબા સમયથી ચાલી રહેલી ગેસ અછતને ઘટાડવામાં મદદરૂપ થશે. સરકારે રાજ્યોને કોમર્શિયલ LPGના વધારાના 20% જથ્થાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે. આ પગલાંથી કુલ સપ્લાય હવે સંકટ પહેલાંના સ્તરના લગભગ 50% સુધી પહોંચી જશે. આ નિર્ણય આગામી સૂચના સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી એક તરફ ઉદ્યોગોને આર્થિક રાહત મળશે, તો બીજી તરફ તેમને વધુ પારદર્શક વ્યવસ્થાપન અને PNG તરફ પરિવર્તન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ વધારાનો LPG જથ્થો પ્રાથમિકતા આધારે વિવિધ ક્ષેત્રોને ફાળવવામાં આવશે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે પરના ઢાબા, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ડેરી ઉદ્યોગ અને કોમ્યુનિટી કિચન, તેમ જ પ્રવાસી મજૂરો માટેના 5 કિલોના FTL સિલિન્ડરનો સમાવેશ થાય છે. સાથે જ, વેપારીઓ માટે કેટલીક નવી શરતો પણ ફરજિયાત કરાઈ છે. તમામ કોમર્શિયલ વપરાશકર્તાઓએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)માં રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ગેસ વપરાશનો સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડ રાખવો પડશે, અને વધારાનો LPG મેળવવા માટે પોતાના વિસ્તારની PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન માટે અરજી કરવી અનિવાર્ય રહેશે.