NEWSFLASH

આસામમાં વિકાસની નવી ઉડાન ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા અને અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આસામ રાજ્ય માટે ગૌરવનો ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિબ્રુગઢ ખાતે મોરાન બાયપાસ પર બનાવવામાં આવેલી ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર વિમાન ઉતારી ઐતિહાસિક શરૂઆત કરી. ઉત્તર-પૂર્વ ભારત માટે આ સુવિધા પ્રથમ વખત તૈયાર કરવામાં આવી છે, જેને રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીના આગમન સમયે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોઅલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ લડાકુ વિમાનો, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તથા હેલિકોપ્ટરોના હવાઈ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.

રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સુવિધા

ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું નિર્માણ ભારતીય વાયુસેના ના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સુવિધા કુદરતી આપત્તિ, સૈનિક કામગીરી અને રાહત કાર્ય દરમિયાન ઝડપી કામગીરી માટે ઉપયોગી બનશે. અહીં 40 ટન સુધીના ફાઇટર વિમાનો અને 74 ટન સુધીના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સરળતાથી ઉતરી શકશે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવી આધુનિક સુવિધા દેશની રણનીતિક શક્તિ મજબૂત બનાવશે.

હવે બ્રહ્મપુત્ર ઉપર આધુનિક પુલથી મુસાફરી સરળ બનશે

પ્રધાનમંત્રી દ્વારા વિકાસ પ્રોજેક્ટ્સ હેઠળ કુમાર ભાસ્કર વર્મા સેતુ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.આ છ લેનનો પુલ બ્રહ્મપુત્ર નદી ઉપર નિર્માણ પામ્યો છે અને ગુવાહાટી ને ઉત્તર ગુવાહાટી સાથે જોડે છે. આ પુલ શરૂ થતાં મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટીને આશરે સાત મિનિટ રહેશે. પુલમાં આધુનિક બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે સલામતી અને ટકાઉપણું વધારશે.

ડિજિટલ અને શૈક્ષણિક વિકાસને મળશે ગતિ સાથે જ

ઉત્તર-પૂર્વના ડિજિટલ વિકાસ માટે અમિંગાંવ ખાતે નેશનલ ડેટા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે સરકારની ડિજિટલ સેવાઓને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત આઈઆઈએમ ગુવાહાટી ની શરૂઆતથી પ્રદેશમાં મેનેજમેન્ટ શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ ઉપલબ્ધ બનશે.

ઈલેક્ટ્રિક બસ સેવા દ્વારા શહેરી પરિવહનમાં સુધારો

શહેરોમાં પર્યાવરણમૈત્રી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે PM-eBus સેવા યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. આ યોજના ગુવાહાટી ઉપરાંત અન્ય શહેરોમાં પણ અમલમાં મુકાઈ રહી છે, જેનાથી લાખો નાગરિકોને સ્વચ્છ, સસ્તું અને વિશ્વસનીય જાહેર પરિવહન મળશે.આ તમામ પ્રોજેક્ટ્સ ઉત્તર-પૂર્વ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, ડિજિટલ સેવાઓ અને પરિવહન ક્ષેત્રે મોટા પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top