National

નેપાળનાં ટામેટાં ખાશે ભારત! આયાતની તૈયારી વચ્ચે પડોશી દેશે મૂકી આ શરત

નવી દિલ્હી: ભારતમાં (India) ટામેટાંના (Tomato) આસમાનને આંબી જતા ભાવ ઘટાડવા માટે નેપાળ (Nepal) ભારતમાં ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે. પાડોશી દેશે શુક્રવારે કહ્યું હતું કે તે ભારતમાં મોટી માત્રામાં ટામેટાંની નિકાસ કરવા માંગે છે, પરંતુ તેને બજારમાં પહોંચ અને જરૂરી સુવિધાઓની જરૂર છે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું હતું કે ભારતે નેપાળથી ટામેટાંની આયાત શરૂ કરી દીધી છે. તેના એક દિવસ બાદ પડોશી દેશ તરફથી આ માંગ આવી હતી.

ભારતમાં ભારે વરસાદને કારણે સપ્લાયમાં વિક્ષેપ વચ્ચે ટામેટાના ભાવ 242 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા હતા. નેપાળના કૃષિ મંત્રાલયના પ્રવક્તા શબનમ શિવકોટીએ શુક્રવારે જણાવ્યું હતું કે નેપાળ લાંબા સમયથી ભારતમાં ટામેટાં જેવી શાકભાજીની નિકાસ કરવા માટે ઉત્સુક છે, પરંતુ આ માટે ભારતે તેના બજાર અને અન્ય સુવિધાઓ સુધી સરળ પહોંચ પ્રદાન કરવી પડશે. તેમણે કહ્યું કે નેપાળે એક સપ્તાહ પહેલા જ સત્તાવાર માધ્યમો દ્વારા ભારતમાં ટામેટાંની નિકાસ શરૂ કરી દીધી છે, પરંતુ તે મોટી માત્રામાં નથી. જો કે ટામેટાંની મોટા પાયે નિકાસની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે.

ભારત ટામેટાં માટે એક મોટું બજાર છે તેવો પુનરોચ્ચાર કરતાં કાલીમાટી ફળ અને શાકભાજી બજાર વિકાસ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર બિનયા શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, “જો અમને ભારતીય બજારમાં સરળ પ્રવેશ આપવામાં આવે તો નેપાળ ભારતમાં મોટી માત્રામાં ટામેટાંની નિકાસ કરી શકે છે.” આ ઉપરાંત તેમણે કહ્યું નિકાસ કરવા માટે ભારતનું બજાર સારું છે. તેમણે કહ્યું કે કાઠમંડુ ખીણના ત્રણ જિલ્લા – કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુરમાં ટામેટાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને તે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે.

તેમણે ઉમેર્યું હતું કે કાઠમંડુમાં ઉગાડવામાં આવતા કેટલાક ટામેટાં ભારતીય બજારમાં અનૌપચારિક માધ્યમો દ્વારા નિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં નેપાળના ખેડૂતો દ્વારા યોગ્ય ભાવ ન મળવાને કારણે કાઠમંડુમાં કાલીમાટી ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ પાસે લગભગ 60,000 થી 70,000 કિલો ટામેટાં રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે ખેડૂતોને જથ્થાબંધ બજારમાં ટામેટાંના 10 રૂપિયા પ્રતિ કિલો પણ મળતા નથી.

બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં વેપારીઓએ ગેરકાયદે માર્ગો દ્વારા ભારતમાં ટામેટાંની નિકાસ કરવાનું શરૂ કર્યા પછી ટામેટાંની બજાર કિંમત ચાર ગણી વધી ગઈ હતી જેના કારણે સ્થાનિક બજારમાં અછત સર્જાઈ હતી. અગ્રણી ટમેટા ઉત્પાદકના જણાવ્યા અનુસાર ટામેટાં જે છૂટક બજારમાં 40-50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા તે વધીને 200-250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે કારણ કે ખેડૂતોએ ભારતીય બજારમાં અનૌપચારિક માધ્યમો દ્વારા ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. અનૌપચારિક માધ્યમો દ્વારા ભારતમાં નિકાસ કર્યા બાદ અમને ટામેટાંના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યા હતા.

Most Popular

To Top