World

નેપાળ વિરોધ: કોણ છે સુદાન ગુરુંગ, જેના એક અવાજે નેપાળ સરકારને હચમચાવી

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયે યુવાનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને આ આંદોલનનું નેતૃત્વ 36 વર્ષના સુદાન ગુરુંગે કર્યું હતું. ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને ખરાબ શાસનથી પહેલેથી અસંતોષિત યુવાનો આ પ્રતિબંધને સહન કરી શક્યા નહીં. સુદાન ગુરુંગે સોશિયલ મીડિયા મારફતે તા.8 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જેને લઈને સમગ્ર દેશ હચમચી ગયો છે.

આંદોલનમાં યુવાનોનો એવો જોરદાર ઉફાન આવ્યો કે રાજકીય તંત્ર પણ કંપી ઉઠ્યું. વિરોધ પ્રદર્શનો દરમિયાન 20 લોકોના મોત થયા અને 200થી વધુ ઘાયલ થયા. છતાં આંદોલન અટક્યું નહીં. આ જ દબાણને કારણે પહેલા ગૃહમંત્રી, ત્યારબાદ કૃષિ અને આરોગ્ય મંત્રીએ પોતાના રાજીનામા આપ્યા. આથી સ્પષ્ટ થાય છે કે આ આંદોલન માત્ર એક મુદ્દા સુધી સીમિત ન રહીને નેપાળની યુવાપેઢીના અસંતોષનો પ્રબળ અવાજ બની ગયું

હામી નેપાળ અને સુદાન ગુરુંગ
સુદાન ગુરુંગે સ્થાપેલું સંગઠન ‘હામી નેપાળ’ આ આંદોલનનું મુખ્ય મંચ બન્યું. આ સંગઠન પોતાને બિન-લાભકારી કહે છે. પરંતુ જનરલ-ઝેડ આંદોલન પાછળ તેની મોટી ભૂમિકા રહી છે.

2015ના ભૂકંપ બાદ સુદાનનું જીવન બદલાઈ ગયું હતું. પહેલાથી ઇવેન્ટ મેનેજમેન્ટમાં કાર્યરત રહેલા ગુરુંગે માનવતાવાદી કાર્યમાં પોતાને સમર્પિત કર્યા અને ‘હામી નેપાળ’ની સ્થાપના કરી. શરૂઆતમાં માનવ સેવા સુધી મર્યાદિત રહેલું આ સંગઠન 2020માં સત્તાવાર રીતે નોંધાયું અને ધીમે ધીમે યુવાનોની અવાજનું પ્રતિક બની ગયું.

જનરેશન-ઝેડનો અવાજ
સુદાન ગુરુંગની આગેવાની હેઠળ યુવાનો ભેગા થયા અને સોશિયલ મીડિયા મારફતે સંગઠિત થયા. તેમણે ‘નેપો બેબીઝ’ અને દેશના ઉચ્ચ વર્ગ પર સીધી ટીકા કરી. તા.8 સપ્ટેમ્બરના આંદોલન માટેની તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે યુવાઓને એકતાનું હથિયાર આપ્યું. તેમાં લખ્યું હતું “આ આપણો સમય છે, આપણી લડાઈ છે. આપણે અવાજ ઉઠાવીશું, એકતાની શક્તિ બતાવીશું.” આ શબ્દો લાખો યુવાનોના હૃદય સુધી પહોંચ્યા.

સરકારના પ્રતિબંધને પડકારતા પ્રદર્શકો VPNનો ઉપયોગ કરીને સંગઠિત થયા અને રસ્તા પર ઉતરી આવ્યા. પરિણામે ઓલી સરકારની નીતિઓ સામે અસંતોષ ખુલ્લેઆમ વ્યક્ત થયો.

સુદાન ગુરુંગ આજે નેપાળની યુવાપેઢી માટે પ્રતિકરૂપ બની ગયા છે. તેમના એક અવાજે માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ જ નહીં પરંતુ નેપાળની લાંબા સમયથી ચાલતી ભ્રષ્ટાચાર અને કુશાસન સામેનો ગુસ્સો પણ બહાર લાવ્યો છે.

આંદોલન સ્પષ્ટ સંકેત આપે છે કે નેપાળના યુવાનો હવે ચુપ નહીં રહે અને દેશના ભવિષ્ય માટે પોતાની ભૂમિકા નિભાવવા તત્પર છે.

Most Popular

To Top