National

નેહરુએ ‘વંદે માતરમ’માંથી દેવી દુર્ગાના શ્લોકો કાઢી નાંખ્યા હતા: ભાજપનો આક્ષેપ

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેશવે કોંગ્રેસ અને જવાહરલાલ નેહરુ પર આરોપ મૂક્યો છે કે તેમણે 1937માં અમુક સમુદાયોને ખુશ કરવા માટે વંદે માતરમ ગીતમાંથી દેવી દુર્ગાની પ્રશંસા કરતી પંક્તિઓ જાણી જોઈને દૂર કરી હતી. કેશવનો દાવો છે કે નેહરુની હિન્દુ વિરોધી વિચારસરણી આજે રાહુલ ગાંધીમાં પણ સ્પષ્ટ દેખાય છે.

ભાજપના પ્રવક્તા સીઆર કેશવે પોતાના નિવેદનમાં જણાવ્યું કે 1937ના ફૈઝપુર અધિવેશન દરમિયાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને ટૂંકું કર્યું હતું. કેશવના દાવા મુજબ કોંગ્રેસે દેવી દુર્ગાની પ્રશંસા કરતા શ્લોકો કાઢી નાખ્યા હતા. જેથી કોઈ ચોક્કસ સમુદાયોને ખુશ કરી શકાય.

કેશવે જણાવ્યું કે “વંદે માતરમ કોઈ એક ધર્મ કે ભાષાની સંપત્તિ નથી. તે માતૃભૂમિ માટેનું દેશભક્તિ ગીત છે. જે અંગ્રેજ શાસન સામે લડનારાઓની પ્રેરણાનો સ્ત્રોત હતું.” તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે “નેહરુના નેતૃત્વમાં ધાર્મિક આધાર પર દેવી દુર્ગા વિશેના શ્લોકો દૂર કરવામાં આવ્યા હતા. જે ઐતિહાસિક ભૂલ હતી.”

તેમજ ભાજપ પ્રવક્તા સીઆર કેશવે નેહરુ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝને લખાયેલા 1937ના પત્રનો ઉલ્લેખ પણ કર્યો. તેમાં નેહરુએ લખ્યું હતું કે વંદે માતરમની પૃષ્ઠભૂમિ મુસ્લિમ સમુદાયને નારાજ કરી શકે છે. કેશવ અનુસાર નેહરુએ એ પણ કહ્યું હતું કે દેવી સાથે ગીતને જોડવું યોગ્ય નથી. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ સંપૂર્ણ ગીત અપનાવવા માંગતા હતા.

કેશવે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરતા કહ્યું કે “નેહરુની હિન્દુ વિરોધી વિચારસરણી આજેય કોંગ્રેસમાં જીવંત છે. રાહુલે તાજેતરમાં ‘શક્તિ સામે લડી રહ્યા છીએ’ અને છઠ પૂજાને નાટક ગણાવી લાખો ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.”

વંદે માતરમની 150મી વર્ષગાંઠનો પ્રસંગ
આજ રોજ તા. 7 નવેમ્બર શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સમગ્ર મૂળ ગીતના સામૂહિક પઠનથી વર્ષભર કાર્યક્રમો યોજાશે. ભાજપે જણાવ્યું કે તેમની સરકાર દેશના સહિયારા વારસાને માન આપી રહી છે. જ્યારે કોંગ્રેસ હંમેશા સાંપ્રદાયિક વોટબેંકની રાજનીતિ કરે છે.

ભાજપના આ આરોપોથી કોંગ્રેસ સામે નવી રાજકીય ચર્ચા ગરમાઈ છે. વંદે માતરમ અને ધર્મસંબંધિત વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જે આગામી ચૂંટણીની રાજનીતિમાં મહત્વનો મુદ્દો બની શકે છે.

Most Popular

To Top