National

NEET કાઉન્સેલિંગ સ્થગિત, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

નવી દિલ્હી: NEET UG 2024 નું ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ)નું સીટ કાઉન્સેલિંગ આજથી એટલે કે 6 જુલાઈથી શરૂ થવાનું હતું. જે આગળની સૂચના સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે NEET UG કાઉન્સેલિંગ (Counseling) મોકુફ રાખવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે NEET UG 2024 ની કાઉન્સેલિંગ માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ હેઠળ સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈના રોજ NEET UG 2024ની અનેક અરજીઓની સુનાવણી કરવાની છે. આ અરજીઓમાં પેપર લીકના આરોપો, સમગ્ર પરીક્ષા રદ કરવાની અને ફરીથી આયોજિત કરવાની માંગ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરીની તપાસની માંગ અને અન્ય અરજીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ સુનાવણી બાદ જ કાઇન્સેલિંગની નવી તારિખો જાહેર કરવામાં આવશે તેવી સંભાવના છે.

જણાવી દઇયે કે NEET UG કાઉન્સેલિંગ રાઉન્ડ પ્રમાણે હાથ ધરવામાં આવે છે, જેમાં ખાલી જગ્યાઓ માટેના રાઉન્ડ અને મોપ-અપ રાઉન્ડનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં પાસ થાય છે તેઓએ પહેલા NEET UG કાઉન્સેલિંગ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને ફી ચૂકવવાની હોય છે. આ પછી અન્ય વિકલ્પોની પસંદગી કરવાની હોય છે. ત્યાર બાદ દસ્તાવેજો અપલોડ કરી વિદ્યાર્થીઓને ફાળવેલ સંસ્થામાં તેમણે વ્યક્તિગત રીતે જાણ કરવાની રહે છે.

15 ટકા AIQ હેઠળ NEET UG કાઉન્સેલિંગમાં સરકારી કોલેજો, સેન્ટ્રલ અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં બેઠકો, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) મેડિકલ કોલેજો અને આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજો (AFMC) પુણેમાં વીમાધારક વ્યક્તિઓના બાળકો (IP ક્વોટા) માટે ઉપલબ્ધ બેઠકોનો સમાવેશ થાય છે.

અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 23 જૂનના રોજ લેવાયેલી 813 ઉમેદવારોની પુનઃપરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ત્યારે સુધારેલા પરિણામો સાથે ટોપર વિદ્યાર્થીઓની સંખ્યા પણ 67 થી ઘટીને 61 થઈ ગઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આ પરિક્ષાઓ બાદનું કાઉન્સેલીંગ મોકુફ રાખવાનો ઇનકાર કર્યો હતો. જો કે ફરી હોબાળો થતા આ કાઉન્સેલીંગ હવે મોકુફ રાખી નવી તારીખોએ યોજાશે.

Most Popular

To Top