નવી દિલ્હી: ભારતના નીરજ ચોપડા (Neeraj Chopra) કે જેમની પાસે આખા દેશને મેડલની આશા હતી, તેમણે આખરે દેશને પ્રથમ સિલ્વર (Silver Medal) અપાવ્યો છે. આ સાથે જ નીરજે ઇતિહાસ પણ રચ્યો છે. તેમણે ગઇકાલે પેરિસ ઓલિમ્પિકની જેવલીન ઇવેંટમાં 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો, જે ઓલિમ્પિકમાં તેમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો બન્યો હતો.
અસલમાં ગઇકાલે ભારતના સમયના લગભગ રાત્રે 1 વાગ્યે નીરજ ચોપરાની મેચ યોજાઇ હતી. ત્યારે ઇતિહાસમાં પહેલી વાર રેકોર્ડબ્રેક 5.3 કરોડ લોકો આ મેચ જોઇ રહ્યા હતા. આ પ્રથમ નોન ક્રિકેટ મેચ રહી કે જે ભારતીય ઇતિહાસમાં આટલા લોકો દ્વારા નીહાળવામાં આવી. ગઇકાલની મેચમાં આખા દેશને નિરજ પાસેથી ગોલ્ડની આશા હતી, પરંતુ નીરજે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો, કારણકે પાકિસ્તાનના અરશદ નદિમે નીરજ કરતા 3.52 મીટર વધુ લાંબો થ્રો ફેંક્યો હતો.
ગઇકાલના પેરિસ ઓલિમ્પિકના જેવલીન ઇવેન્ટમાં નીરજે 89.45 મીટરનો થ્રો ફેંક્યો હતો. જે ઇજામાંથી સાજા થયા બાદ તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો રહ્યો છે. પરંતુ બીજી બાજુ પાકિસ્તાનના અરશદ નદિમે ફાઇનલમાં બીજા થ્રોમાં 92.97નો થ્રો કરીને માત્ર ગોલ્ડ જ ન જીત્યો પરંતુ ઈતિહાસ પણ રચી દીધો. નદીમનો આ થ્રો ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો હતો. ત્યારે ગ્રેનાડાનો પીટર એન્ડરસન ત્રીજા ક્રમે રહ્યો હતો અને તેણે 88.54ના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વ્યક્તિગત ઈવેન્ટ્સમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર નીરજ ત્રીજા એથ્લેટ બન્યા
નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજા એથ્લેટ બન્યા છે કે જેમણે વ્યક્તિગત ઈવેન્ટમાં 2 મેડલ જીતવામાં સફળતા મેળવી છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો છે. તેમના પહેલા કુસ્તીબાજ સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સિલ્વર મેડલ પણ અમારા માટે ગોલ્ડ મેડલ જેવો જ છે: નીરજના માતા
પુત્રના સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાની માતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે બધા ખૂબ જ ખુશ છીએ. અમારા માટે સિલ્વર પણ ગોલ્ડ ઓછો નથી. નીરજ અગાઉ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ અમે તેના પ્રદર્શનથી ઘણા ખુશ છીએ.
બીજી તરફ નીરજ ચોપરાના પિતા સતીશ કુમારે પુત્રના સિલ્વર મેડલ જીતવા પર કહ્યું હતું કે દરેકનો કોઈને કોઈ દિવસ હોય છે, આજે પાકિસ્તાની એથ્લેટનો દિવસ હતો પરંતુ અમે સિલ્વર મેડલ જીતીને પણ ખુશ છીએ અને આ બધા માટે ગર્વની ક્ષણ છે. નીરજે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે અને આ યુવા પેઢી માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બનશે.