Gujarat

ઉમરેઠની પેટાચૂંટણીમાં NCP પણ મેદાનમાં

ગાંધીનગર : ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીની જાહેરાત સાથે દેશમાં કેટલીક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું પણ બ્યૂંગલ ફૂંકાયું છે. તેમાં ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક પણ સામેલ છે. આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના નિધન બાદ ખાલી પડી હતી, જેના પગલે અહીં પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક માટે 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉમરેઠ બેઠક પર પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી આવી છે, પરંતુ આ વખતની પેટા ચૂંટણીમાં ત્રીજો પક્ષ પણ મેદાનમાં ઉતરવાનો છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)એ પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ નિકુંલસિંહ તોમરએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તેઓ અજિત પવારના નેતૃત્વમાં એનડીએ સાથે છે, પરંતુ ગુજરાતમાં પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.

જયંત બોસ્કીએ વર્ષ 2007થી અત્યાર સુધી ચાર ચૂંટણી લડી છે, જેમાંથી બે વખત વિજય મેળવ્યો છે. અગાઉ ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન પણ થયું હતું. તેથી આ વખતની ચૂંટણીમાં તેમની ભૂમિકા કેટલી અસરકારક સાબિત થાય છે કે નહીં ? તે જોવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે ગોવિંદભાઇ પરમારનું 6 માર્ચ 2026ના રોજ 83 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ 2017માં પ્રથમ વખત ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ભાજપના ઉમેદવાર તરીકે 95,639 મત મેળવી ભવ્ય જીત મેળવી હતી.ચૂંટણી કાર્યક્રમ અનુસાર 30 માર્ચ 2026ના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ રહેશે, 7 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને 9 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ત્યારબાદ 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે, પરંતુ ધારાસભ્યોના રાજીનામા અથવા નિધનને કારણે સમયાંતરે કેટલાક બેઠકો ખાલી પડતી હોય છે. ઉમરેઠની આ પેટા ચૂંટણી પર હવે રાજ્યના રાજકીય વર્તુળોની ખાસ નજર રહેશે.

Most Popular

To Top