ગાંધીનગર,
નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દિશામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને મોટી સફળતા મળી છે. એનસીબીએ એક આંતરરાજ્ય ડ્રગ દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કરી મૈસૂરુ (કર્ણાટક)માં કાર્યરત સંપૂર્ણ રીતે સજ્જ ગૂપ્ત ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. 10 કરોડથી વધુના નશીલા પદાર્થો, રોકડ રકમ અને વાહન સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.એનસીબી તથા સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસના સંયુકત્ત ઓપરેસન દરમ્યાન 25 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું.આંતરરાજય ડ્રગ્સની દાણચોરીમાં એનસીબીએ સુરતમાંથી મુખ્ય સૂત્રધાર અને અન્ય મૈસુરમાંથી ડ્રગ્સ માફિયાઓ સહિત ચારની ધરપકડ કરી લીધી છે.
એનસીબીને મળેલી ગુપ્ત બાતમીના આધારે 28 જાન્યુઆરી 2026ના રોજ સુરત જિલ્લાના પલસાણા ખાતે કર્ણાટક રજિસ્ટ્રેશન ધરાવતી એક ટોયોટા ફોર્ચ્યુનર કાર અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 35 કિલો મેફેડ્રોન (MD) મળી આવ્યું હતું. આ મામલે સુરત પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ આગળ વધારતા પલસાણાના દાસ્તાન રેસિડેન્સીમાં રહેતા મહિન્દ્ર કુમાર વિશ્નોઇના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 1.8 કિલો અફીણ, રૂ. 25.6 લાખ રોકડ તેમજ વિવિધ કેમિકલ્સ મળી આવ્યા હતા. વિશ્નોઇને આ સમગ્ર ડ્રગ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે.
એનસીબીએ મહિન્દ્રકુમાર વિશ્નોઇ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જે રાજસ્થાનમાં ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારીમાં હતા. તપાસમાં ખુલાસો થયો છે કે વિશ્નોઇ અગાઉ અફીણ અને સ્મેકના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને જેલમાં રહેતા સમયે અન્ય કેદીઓ પાસેથી સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન, માંગ અને સપ્લાય ચેન વિશે માહિતી મેળવી હતી. જામીન પર બહાર આવ્યા બાદ તેણે મૈસૂરુમાં ગૂપ્ત ડ્રગ લેબ સ્થાપી હતી.

કર્ણાટકના મૈસૂરુ સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી આ યુનિટ બહારથી ક્લિનિંગ કેમિકલ્સના ઉત્પાદનના નામે ચલાવવામાં આવતી હતી. NCBની તપાસમાં અહીંથી આધુનિક સાધનો સાથેની સંપૂર્ણ ગૂપ્ત લેબ મળી આવી હતી. આ જગ્યા માસ્ટરમાઇન્ડના સગા સહઆરોપીના નામે ભાડે લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. તેને પણ ધરપકડ કરવામાં આવી છે.આ કાર્યવાહી દરમિયાન રૂ. 10 કરોડ જેટલા નશીલા પદાર્થો (સ્ટ્રીટ વેલ્યુ), રૂ. 25.6 લાખ રોકડ, ટોયોટા ફોર્ચ્યુનર વાહન અને 500 કિલોથી વધુ કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ગૂપ્ત લેબને સીલ કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા તમામ ચાર આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં મેફેડ્રોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખી વિવિધ રાજ્યોને રેડ ફ્લેગ ઇન્ડિકેટર્સ (RFI) મોકલવામાં આવ્યા છે. સાથે જ મેફેડ્રોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિઓફેનોન અને મોનો મેથાઇલએમાઇન (MMA) જેવા કેમિકલ્સના વેપાર પર કડક નજર રાખવા કેમિકલ ઉદ્યોગોને સૂચના આપવામાં આવી છે.ડ્રગ તસ્કરી સામેની લડાઈમાં નાગરિકોના સહયોગની અપીલ કરતાં NCBએ કહ્યું છે કે નશીલા પદાર્થોના વેચાણ સંબંધિત કોઈપણ માહિતી માણસ – નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન (ટોલ ફ્રી નં. 1933) પર આપી શકાય છે.
એનસીબીએ આંતરરાજ્ય ડ્રગ દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો.
- મૈસૂરુ (કર્ણાટક)માં કાર્યરત સંપૂર્ણ ગૂપ્ત ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબ ઝડપી
- સુરત જિલ્લાના પલસાણા ખાતે ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી 35 કિલો મેફેડ્રોન જપ્ત
- ડ્રગ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ મહિન્દ્રકુમાર વિશ્નોઇ સહિત 4 આરોપીઓની ધરપકડ
- પલસાણામાં આરોપીના ઘરે દરોડા દરમિયાન 1.8 કિલો અફીણ અને રૂ. 25.6 લાખ રોકડ મળ્યા
- મૈસૂરુની હેબ્બલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ક્લિનિંગ કેમિકલ્સની આડમાં ડ્રગ લેબ ચલાવાતી
- જપ્ત કરાયેલ નશીલા પદાર્થોની સ્ટ્રીટ વેલ્યુ અંદાજે રૂ. 10 કરોડ
- 500 કિલોથી વધુ કેમિકલ્સ અને વાહન જપ્ત, લેબ સીલ કરી ફોરેન્સિક તપાસ શરૂ
- તમામ આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના હોવાનું બહાર આવ્યું