1.60 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવેલ નવસારીનું સરબતીયા તળાવ ફરી ચર્ચામાં

નવસારી(Navsari): નવસારીના લુન્સીકુઈ પાસેનું ૧.૬૦ કરોડના ખર્ચે સરબતીયા તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ સરબતીયા તળાવની ફરતે લગાવવામાં આવેલી લાઈટો (Light) ગાયબ થઇ જતા તળાવની બ્યુટી પણ અંધારામાં ગાયબ થઇ ગઈ છે. ત્યારે પાલિકા દ્વારા તળાવની જાણવણી માટે પગલા લેવામાં આવે તેવી માંગો ઉઠી છે.

  • સ્થાનિકોને અંધારામાં તળાવની ફરતે આંટો મારવા નીકળવામાં હિચકિચાટ
  • ૧.૬૦ કરોડના ખર્ચે સરબતીયા તળાવનું બ્યુટીફીકેશન કરાયું હતું

નવસારીમાં દુધિયા તળાવ, સરબતીયા તળાવ અને ટાટા તળાવ આવ્યું છે. સૌથી પહેલા નગરપાલિકા દ્વારા દુધિયા તળાવની ફરતે કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. જેથી નવસારીના ઘણા લોકો દુધિયા તળાવની ફરતે વોક કરવા માટે તેમજ ફરવા માટે આવતા હતા. દુધિયા તળાવની ફરતે હજારો લોકો દેખાતા હતા. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સરબતીયા તળાવ અને ટાટા તળાવનું પણ કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન હાથ ધરાયું હતું. જેમાં સરબતીયા તળાવ ૧.૬૦ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું.

સરબતીયા તળાવમાં અધ્યતન વિવિધ રંગની લાઈટની સુવિધા સાથે વોક વે (Walkway) બનાવવામાં આવ્યું હતું. જેથી નજીકના લોકો તેનો લાભ લઈ રાત્રે બેસવા, ફરવા કે વોક કરવા માટે આવતા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તળાવની ફરતે લગાવવામાં આવેલી લાઈટો ગાયબ કરી દેવામાં આવી હતી. તો કેટલીક લાઈટો તૂટી ગયેલી હાલતમાં હતી. જેથી સરબતીયા તળાવની બ્યુટી અંધારામાં ગાયબ થઇ ગઈ હતી. આ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો દારૂ પીને પોટલીઓ અને બાટલીઓ ત્યાં જ નાંખી જતા રહેતા હતા. તો બીજી તરફ તળાવની ફરતે અંધારૂ હોવાથી લોકો ત્યાં જવાનું ટાળવા લાગ્યા હતા. બીજી તરફ સરબતીયા તળાવનું પાણી દુર્ગધ મારતું થયું હતું. જેથી સરબતીયા તળાવની જાણવણી નહીં થતા પાલિકાના શાસકો અને અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે.

લાઈટો લગાવી દીધી છે, ભવિષ્યમાં સિક્યુરીટી ગાર્ડ પણ મુકાશે : સી.ઓ
નવસારી-વિજલપોર નગરપાલિકાના સી.ઓ.એ જણાવ્યું હતું કે, સરબતીયા તળાવની ફરતે લાઈટો તૂટી ગઈ હતી કે અમુક જગ્યાએ લાઈટો ન હતી ત્યાં લાઈટો લગાવી દીધી છે. પરંતુ તળાવને કે તેની ફરતે કરવામાં આવેલા બ્યુટીફીકેશનને નુકસાન ન થાય તે માટે ભવિષ્યમાં સિક્યુરીટી ગાર્ડ મુકવાની તજવીજ પણ હાથ ધરશે.

Most Popular

To Top