નવસારી : નવસારી (Navsari) છાપરા રોડ પર 3 યુવાનોએ એકને માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી છાપરા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રોનક દીપકભાઈ દળવી તેમના પરિવાર સાથે રહે છે. ગત 13મીએ રોનક તેના મિત્ર મનિષ સાથે ઘરની બહાર બેસેલો હતો. દરમિયાન સોસાયટીમાં રહેતો રીતેષ પાટીલ દોડી આવી રોનકને સોસાયટીના પાછળના મેદાનમાં કોઈ અજાણ્યા ત્રણ છોકરાઓ મારા ભાઈને માર મારે છે તમે જલ્દી આવો તેમ જણાવતા રોનક અને મનિષ રિતેષના ભાઈને બચાવવા માટે જતા તે ત્રણ છોકરાઓએ મનીષ અને રોનકને પણ માર મારવા લાગ્યા હતા.
જોકે તે સમયે સોસાયટીના અન્ય લોકો આવી જતા તે ત્રણ છોકરાઓ સોસાયટીની દીવાલ કુદી નાસી ગયા હતા. આ બનાવ અંગે રોનકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિજલપોર રેવાનગરમાં રહેતા મોહિત કમલેશભાઈ સોનકર, દિનેશ સોનકર અને હરેશ નરેશભાઈ મેઢે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.
ઉમરગામના ફણસામાં કોસ્ટેલ હાઇવે પર કારે બે બાઇકને અડફેટે લેતા એકનું મોત
ઉમરગામ : ઉમરગામના ફણસા કોસ્ટેલ હાઇવે ઉપર રાત્રે એક કારે બે મોટરસાયકલને અડફેટે લેતા આ એક્સિડન્ટમાં મોટરસાયકલ સવાર એક યુવાનનુ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે ત્રણ જણાને ઈજા થઈ હતી. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સોમવારે રાત્રિના સમયે ઉમરગામના ફણસા ટાટા વાળી કોસ્ટેલ હાઈવે રોડ ઉપર એક કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગલફતભરી રીતે હંકારી લાવી સુઝુકી ર અને હોન્ડા સાઇન મોટરસાયકલને અડફેટે લેતા આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર પાર્થિવ જીતેન્દ્રભાઈ પટેલ (રહે ફણસા તળાવ ફડીયા)નુ ગંભીર ઈજાના કારણે મોત થવા પામ્યું હતું. જ્યારે પ્રજવલભાઈ, તથા રૂપીનભાઈ અને હેમાંગીબેનને ઈજા થઈ હોય સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત કરી કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવની ઉમરગામ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.