નવસારી : (Navsari) માય ઇન્ડિયા હબ ડોટ કોમ (My India Hub Dot com) નામવાળી કંપનીના પ્રમોશન કરવા નવસારી અને સુરતના બંને સી.એ. પાસેથી બુટની ખરીદી કરાવી આઈફોન 12 પ્રો મેક્ષ ઇનામમાં લાગ્યો હોવાનું જણાવી વિવિધ કારણો બતાવી બંને સી.એ. પાસેથી 23.12 લાખ રૂપિયા ટ્રાન્સફર (Money Transfr) કરાવી ચૂનો ચોપડતા મામલો નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી પારસી હોસ્પિટલ પાછળ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્રુવિલ મહેશભાઈ ચોડવડિયા સુરત ચાર્ટડ એકાઉન્ટન્ટની રાજેશ રોહિત એન્ડ કંપનીમાં છેલ્લા નોકરી કરે છે. તેમની સાથે સુરત પૂણાગામ માતૃશક્તિ સોસાયટીમાં રહેતા વિવેક માવાણી પણ નોકરી કરે છે.
ખરીદેલ વસ્તુ ઉપર કંપની દ્વારા લકી ડ્રો કરી ઇનામ આપવામાં આવશે
ગત 28મીએ ધ્રુવિલના મોબાઈલ ફોન ઉપર એક ઇસમે ફોન કરી હિન્દી ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે, માય ઇન્ડીયન હબ નામની કંપની જે ઓનલાઈન વેબસાઈટ ધરાવે છે તે કંપનીમાંથી ગૌરવ મિશ્રા વાત કરૂ છું તેમ કહી અમે ભારતમાં અમારી કંપનીની જાહેરાત કરવા માંગીએ છીએ અને આ કંપનીમાંથી ખરીદી માટે ઓનલાઈન ઓર્ડર આપવાનો અને તે ખરીદેલ વસ્તુ ઉપર કંપની દ્વારા લકી ડ્રો કરી ઇનામ આપવામાં આવશે તેવી વાત કરી હતી. જેથી ધ્રુવિલને વાત સાચી લાગતા 700 રૂપિયાના ઓનલાઈન બુટ મંગાવ્યા હતા.
ભોગ બનેલા યુવકે અનેક વખત નાણાં ટ્રાન્સફર કર્યા હતા
ત્યારબાદ એક ઇસમે ફોન કરી લકી ડ્રો માં તમને આઈફોન 12 પ્રો મેક્ષ આપવામાં આવશે. અને તમારે ટીડીએસ ચાર્જના 9,700 રૂપિયા ભરવા પડશે, તેમ કહી આ મોબાઈલ 1 લાખ રૂપિયાનો મળતો હોવાથી આ મોબાઈલ ફોન મેળવવા માટે ધ્રુવિલે બેંક એકાઉન્ટમાંથી 5 હજાર અને 4,700 રૂપિયા ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ધ્રુવિલને ફોનના ઈન્સ્યોરન્સ માટે 15,786 ટ્રાન્સફર કરવા જણાવતા ધ્રુવિલે 15,786 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અનેક વખત નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
માય ઇન્ડિયા હબ ડોટ કોમ નામવાળી કંપની એ ખોટી હકીકત જાણવી હતી
ત્યારબાદ ગત 4થી જુને તમે જી.એસ.ટી. ના રૂપિયા મોડા ચૂકવ્યા છે આજે દિવસ ચેન્જ થઇ ગયો હોવાથી નવી આઈ.ડી. માટે ફરી તમે 54 હજાર ટ્રાન્સફર કરો તેમ કહેતા 50 હજાર રૂપિયા અને 4 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ગત 6ઠ્ઠી જુને 39,999, એકાઉન્ટની લિમિટ વધારવા માટે 24 હજાર, ગત 7મી જુને નવી એનઓસી બનાવવા માટે 40 હજાર, ગત 8મી જુને 50 હજાર રૂપિયા, 9,999 રૂપિયા અને 24 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા કહેતા તે રકમ પણ ટ્રાન્સફર કરી હતી. ગત 9મી જુને 60,149, ગત 10મી જુને વધુ 50 હજાર રૂપિયા અને 10,149 રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવતા તે રકમ પણ મોકલી આપી હતી. આ રીતે માય ઇન્ડિયા હબ ડોટ કોમ નામવાળી કંપનીએ તેમનું પ્રમોશન કરવા માટેની ખોટી હકીકત જણાવી અલગ-અલગ માનવામાં આવે તેવા ખોટા કારણો બતાવી કુલ્લે 6,71,847 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.
ધ્રુવિલની જેમ વિવેક સાથે વાત કરી લાખ્ખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા
ત્યારબાદ માય ઇન્ડિયા હબ ડોટ કોમ નામવાળી કંપનીના ઇસમે ધ્રુવિલના મિત્ર વિવેકને ફોન કરી ધ્રુવિલ અમારા ફોન રીસીવ કરતા નથી અને અગાઉ બનેલા એન.ઓ.સી. માટે 39,851 રૂપિયા ટ્રાન્સફર કરી આપો તો ધ્રુવિલને તેમના અગાઉના રૂપિયા અમે રીફંડ કરી આપીશું તેમ કહેતા વિવેકે તે રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ તેઓએ ધ્રુવિલની જેમ વિવેકને પણ અલગ-અલગ માનવામાં આવે તેવી વાત કરી લાખ્ખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગત 28મી મેથી ગત 10મી જુન સુધી 6,71,847 રૂપિયા અને 13મી જુનથી 13મી ઓગષ્ટ સુધીમાં 14,31,135 રૂપિયા તેમજ ધ્રુવિલે 2,09,980 રૂપિયા મળી કુલ્લે 23,12,962 રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેઓએ તે રકમ કે કોઈ ઇનામ આપ્યા ન હતા. આ બનાવ અંગે ધ્રુવિલે નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે,એચ, ચૌધરીએ હાથ ધરી છે.