નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9 અલગ-અલગ વિસ્તારોમાંથી 23 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીઓના 3 દિવસનાં રિમાંડ (REMAND) મેળવ્યાં છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ (WANTED) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ચોરોને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસ જલાલપોરના વાડા ગામ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન પોલીસે મળેલી બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સ (TECHNICAL SURVEILLANCE) ના આધારે એમ.પી.ના અલી રાજપુર તાલુકાના બડદલા ગામે ખાડા ફળિયામાં અને હાલ જલાલપોરના મરોલી ચાર રસ્તે રહેતો ઇલુ ઉર્ફે નિલેશ નાયકડા ડાવર, એમ.પી.ના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના દરખડ ગામે લુધીયાવડ ફળિયામાં અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ટીમ્બા વરસિંગભાઇના ખેતરમાં રહેતો ભુચરસિંહ ઉર્ફે બુચના શંકરભાઇ કનેશ અને એમ.પી.ના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના સુમનીયાવાડ ગામે ગંદારીયા ફળિયામાં અને હાલ સુરત કાપોદ્રા ભરવાડ ગલીમાં રહેતો સિલદાર કરમસિંહ ચૌહાણને ચોરીની બે બાઇક (BIKE) સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઇલુ ઉર્ફે નિલેશ, ભુચરસિંહ ઉર્ફે બુચના અને સિલદારની પૂછપરછ કરતા બંને બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ત્રણેય આરોપીની ધરપકડ (ARREST) કરી નવસારી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટમાં જડજે આગામી 19મી જાન્યુઆરી સુધીનાં રિમાંડ મંજૂર કર્યાં હતાં. ત્યારબાદ ફરી પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ નવસારી જિલ્લા સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી કુલ 21 બાઇક ચોરી કરી એમ.પી. ના અલીરાજપુર જિલ્લાના બડદલા, દરખડ અને સોંરવા ગામે લઇ ગયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેથી પોલીસે એમ.પી.ના અલીરાજપુર ખાતે જઇ સર્ચ કરી ત્યાંથી 10,21,990 રૂપિયાની અલગ-અલગ મોડેલ (MODEL)ની 21 બાઇક કબજે કરી હતી.
આ ચોરીના ગુનામાં સંડોવાયેલો તેમજ મૂળ એમ.પી.ના અલીરાજપુર તાલુકાના કુંભીગામે અને હાલ સોરવા પટેલ ફળિયામાં રહેતો ગોવિંદ રેમલીયા જમરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બાબતે આગળની તપાસ પીએસઆઇ એન.જી. પાટીલ કરી રહ્યા છે. ઇલુ ઉર્ફે નિલેશ અને ભુચરસિંહ ઉર્ફે બુચના ભરૂચ જિલ્લાના 29 ગુનામાં વોન્ટેડ હોવાનું ખૂલ્યું હતું. તેમજ ભુચરસિંહ 2013માં ચીખલી પોલીસ મથકના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું ખૂલ્યું હતું.
ક્યાં ક્યાં ચોરી કરી હતી
પોલીસે ઇલુ, ભુચરસિંહ અને સિલદારની પૂછપરછ કરતાં તેઓએ નવસારીમાંથી 3, સુરત શહેરમાંથી 8, સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 5, છોટા ઉદેપુરથી 2, આણંદથી 1, નર્મદાથી 1, દાહોદથી 1, તાપીથી 1 અને વડોદરા શહેરમાંથી 1 મળી કુલ 23 બાઇક ચોરી કરી હોવાનું કબૂલતાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
મોડી રાત્રે બાઇક ચોરી કરી વતન જઈ વેચતા હતા
આરોપીઓ મોડી રાત્રે બાઇકનું સ્ટીયરિંગ લોક તોડી બાઇકની ચોરી કરતા હતા. અને તેઓ બાઇક ઘટના સ્થળેથી ચલાવી પોતાના વતન લઇ નીકળી જતા હતા. જ્યાં તેઓ ચોરીની બાઇક 8થી 10 હજાર રૂપિયામાં વેચી દેતા હતા.