નવસારી : વિજલપોરમાં (Vijalpore) થોડા સમય રહેવા માટે આપેલું ઘર (House) છેલ્લા 20 વર્ષથી ઘર ખાલી નહીં કરી તેમાં બ્યુટી પાર્લર (Beauty Parlour) ચલાવી ઘર પચાવી પાડતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો. વિજલપોર દુધિયા તળાવની સામે આશાપુરી મંદિર રોડ પર મંકોડીયામાં રહેતા પરભુભાઇ નરસિંહભાઈ પટેલનું મંકોડીયા વિસ્તારમાં ગામતળમાં રહેણાંક ઘર જેનો જુનો ઘર નં. 1412 અને હાલનો નવસારી-વિજલપોર નગરપાલિકાનો ઘર નં. 2027 આવેલું છે.
તેઓનું આ ઘર વીસ વર્ષ અગાઉ ખાલી હતું. જેથી પરભુભાઇના ઓળખીતા કુવરજીભાઈ રણછોડભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તમારૂ ઘર ખાલી છે અને મારા જાણીતા હરીભાઈ ઓધવજીભાઈ રાજાણી પાસે હાલ ઘર નથી. જેથી તેમને તેમના પરિવાર સાથે તમારા ખાલી ઘરમાં તેઓને બીજું ઘરની સગવડ થાય ત્યાં સુધી પરિવાર સાથે રહેવા આપો. જેથી પરભુભાઇએ હરીભાઈ રાજાણીને ઘર રહેવા માટે આપ્યું હતું. પરંતુ હરીભાઈ રાજાણીએ તેમનું ઘર ખાલી કર્યું ન હતું. તેમજ હરીભાઈની વહુ નિશા લાઇસન્સ વગર ઘરમાં નિશા બ્યુટી પાર્લર ચલાવે છે. જેથી પરભુભાઇએ હરીભાઈ અને તેમના પરિવારજનોને ઘર ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓએ ઘર ખાલી નહીં કરી ઘર પચાવી પાડ્યું હતું.
જેથી પરભુભાઇએ નવસારી જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જે અરજી વંચાણે લઈ અહેવાલ ધ્યાને લઈ પ્રાથમિક દ્રષ્ટીએ ગુનો સ્થાપિત થતો હોવાથી પરભુભાઇની અરજી ગ્રાહ્ય રાખી હતી. આ બાબતે વિજલપોર પોલીસ મથકે પરભુભાઇએ હરીભાઈ રાજાણી, કુંદનબેન રાજાણી, જયદીપભાઈ રાજાણી, રીષિત રાજાણી અને નિશા રાજાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક આર.ડી. ફળદુએ હાથ ધરી છે.
પોલીસ દંપતિ વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા મહિલાનો આપઘાત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં મોરઝીરા ગામે રહેતા પોલીસ દંપતિ વચ્ચે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થતા પત્નીને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ મોરઝીરા ગામે રહેતી અને આહવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ચંપીબેન સુકીરાવભાઈ ગાયકવાડ (ઉ.28) ગતરોજ સાસરે હતી. તે દરમિયાન ઘરમાં રસોઈ બનાવવા બાબતે તેના એસ.આર.પી પતિ જોડે બોલાચાલી થઈ હતી. ઘરમાં પોલીસ દંપતી વચ્ચે બોલાચાલી થતા મહિલા કોન્સ્ટેબલને માઠું લાગી આવતા ઘરમાં પોતાના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ ગામમાં તેમજ આહવા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. હાલમાં આહવા પોલીસની ટીમે મહિલા પોલીસ કોન્સ્ટેબલનાં લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી છે.