નવસારી : નવસારીમાં (Navsari) ભાણેજે મામા અને તેના પરિવારને હોટલમાં (Hotel) જમવા માટે મોકલી મામાના ઘરમાંથી 1.56 લાખના દાગીના (jewelry) ચોરી કરી નાસી ગયા હોવાની શંકા રાખી મામાએ ભાણેજ વિરૂદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, નવસારી રાધાકૃષ્ણ મંદિર સામે નીલાંજન એપાર્ટમેન્ટમાં રહેતા ઉદયભાઈ વિરેન્દ્રભાઈ પંડ્યાનો ભાણેજ ભાવિન રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય હવેલી મહોલ્લામાં રહે છે. ગત નવરાત્રીમાં ભાણેજ ભાવિને ઉદયભાઈના ઘરે આવી મામીને ‘મારા ઘરે સફાઈનું કામકાજ કાઢેલુ છે, તો એક દિવસ મારૂ ટીફીન બનાવી આપશો’ તેવી વાત કરતા સાંજે ભાવિન ઉદયભાઈના ઘરેથી ટીફીન લઇ ગયો હતો.
ઘરને તાળું મારી પરિવાર સાથે હોટલમાં જમવા ગયા
જોકે ઉદયભાઈ તેમના ઘરની ચાવી આગળના રૂમમાં ડાઈનીંગ ટેબલ ઉપર મૂકી રાખતા હતા. ભાવિન રક્ષાબંધનમાં ઉદયભાઈના ઘરે ગયો હતો. ત્યારબાદથી ઉદયભાઈને ઘરની બે ચાવી માંથી એક ચાવી મળી ન હતી. જેથી ઉદયભાઈએ ભાવિનને ફોન કરી ઘરની ચાવી ભૂલમાં તેના પાસે આવી નથી ગઈ તેમ પૂછતાં ભાવિને ચાવી તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.ગત 12મીએ ભાવિને ઉદયભાઈને ફોન કરી ‘અમારી કંપની તરફથી ડિનરનું વાઉચર મને મળ્યું છે, તો આપણે તમારા પરિવાર સાથે જમવા માટે બપોરે જઈએ’ તેમ પુંછતા ઉદયભાઈએ ભાવિનને ગ્રીડની હોટલ પર રાત્રે જઈએ તેમ કહ્યુ હતુ. જેથી ભાવિને હોટલમાં ટેબલ બુક કરાવી દીધું હતું. રાત્રે ભાવિને ઉદયભાઈને ફોન કરી તમે હોટલ ઉપર પહોચો હું આવું છું તેમ જણાવતા ઉદયભાઈ ઘરને તાળું મારી પરિવાર સાથે હોટલમાં જમવા ગયા હતા.
ઘરનું લોક ખોલી રોકડ સહિત કુલ 1.56 લાખની મત્તા ચોરી કરી
ત્યારબાદ કોઈકે ઉદયભાઈના ઘરનું લોક ખોલી રોકડ સહિત કુલ 1.56 લાખની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. બીજી તરફ ભાવિન હોટલમાં જમવા માટે ગયો ન હતો. ઉદયભાઈ અને તેમનો પરિવાર હોટલમાં જમીને પરત ઘરે આવી ગયા હતા. ત્યારે તિજોરીનો સામાન વેરવિખેર જણાતા તપાસ કરી હતી. જ્યાંથી 1.56 લાખના દાગીના અને રોકડા રૂપિયા ચોરી થયા હોવાનું જણાયું હતું. જેથી ઉદયભાઈએ ભાવિનને ફોન કરતા ભાવિનનો ફોન બંધ આવ્યો હતો તેમજ તેનું ઘર પણ બંધ હતું. જેથી ઉદયભાઈએ ભાવિન ઉપર શંકા રાખી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.