નવસારી : નવસારી (Navsari) ઘેલખડીમાં રમતા-રમતા બાળક (Child) ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. બિહાર છપરા અને હાલ નવસારીના ઘેલખડીમાં પુનેશ્વર કોમ્પ્લેક્ષમાં રાજેશભાઈ દયાલુભાઈ પ્રસાદ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહે છે. રાજેશભાઈને એક 5 વર્ષીય પુત્ર નૈતિક છે.
ગત 26મીએ બપોરે રાજેશભાઈનો પુત્ર નૈતિક પુનેશ્વર કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલા ઘરમાં રમતો હતો. દરમિયાન રમતા-રમતા નૈતિક તેના ઘરની બારી પાસે આવી જતા બારીમાંથી નીચે પડી ગયો હતો. જેના પગલે તેને માથાના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ થતા પરિવારજનોએ નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન નૈતિકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈએ જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. મહેન્દ્રસિંહને સોંપી છે.
પિતાએ ગફલત કરતાં ટેમ્પો પલટી ગયો ને ખોળામાં બેઠેલા માસુમ પુત્રએ જીવ ગુમાવ્યો
વ્યારા: વ્યારાનાં દડકવાણ રોડ ઉપર પુરપાટ ઝડપે જતો થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી ખાઇ જતા ૧૮ માસનાં બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત વેળાએ આ ટેમ્પો તેના પોતાનાં પિતા જ ચલાવી રહ્યા હતા. અકસ્માત વેળાએ આ ૧૮ માસનો દીકરો પિતાનાં ખોળામાં જ હતો. ટેમ્પો પલ્ટી જતાં આ બાળક રોડ ઉપર પટકાયું હતું.
વ્યારાનાં માલોઠા ગામે નવી વસાહત ફળિયાનાં અશોક વસીંગ ચૌધરી થ્રી વ્હીલ ટેમ્પો નં. જીજે ૫ એયુ ૫૪૮૫ લઈ પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે તા.૨૬/૦૯/૨૦૨૨નાં રોજ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં દડકવાણ રોડ ઉપર તેઓએ પોતાનાં થ્રી વ્હીલ ટેમ્પોના સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પોતાના ખોળામાં બેઠેલો તેનો ૧૮ માસનો દીકરો મિહીર દિવ્યેશ ચૌધરી રોડ ઉપર પડી જતા તેનાં માથામાં જમણી બાજુએ ગંભીર ઇજા થઈ હતી. તેને હોસ્પિટલની વધુ સારવાર મળે તે પહેલાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ટેમ્પોના ચાલક અશોક વસીંગ ચૌધરી વિરૂધ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
દેવધા ગામે ઘાસચારો કાપીને રેલવે ટ્રેક ઓળંગતા વૃદ્ધનું ટ્રેન અડફેટે મોત
બીલીમોરા : બીલીમોરા નજીકના દેવધા ગામના ભેંસલા ફળીયા ખાતે રહેતા કીકાભાઈ ભગાભાઈ પટેલ (71) નજીકના રેલ્વે ટ્રેકને ક્રોસ કરીને ઢોરો માટે ઘાસચારો કાપવા માટે ગયા હતાં. જ્યાંથી ઘાસ કાપીને પરત ઘરે પરત આવતી વખતે ભેંસલા ફળીયાનો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હતા. તે સમયે ટ્રેનની અડફેટે આવી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓને મેંગુસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને આવેલી ગંભીર ઇજોને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ બીલીમોરા પોલીસને જાણ કરી હતી. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.