નવસારી : ગણદેવી પોલીસની (Police) નાકાબંધી જોઈ દારૂ (Alcohol) ભરેલી કારના (Car) ચાલકે કાર ભગાવતા કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાવી દીધી હતી. જેમાંથી પોલીસને 26 હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા ચાલકની ધરપકડ (Arrest) કરી હતી. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. ત્યારે સેવરોલેટ બીટ કાર નં. જીજે 15 સીડી 2504 ના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર ભગાવી હતી. પરંતુ કાર ચાલકે કારના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર નવાગામ નવું આહીર ફળીયા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલા સાથે કાર અથડાવી દીધી હતી. જે કારમાં તપાસ કરતા પોલીસને તેમાંથી 26,400 રૂપિયાની વિદેશી દારૂની 72 નંગ બાટલીઓ મળી આવતા સુરત ચોર્યાસી તાલુકાના સુરત એરપોર્ટની આગળ સુલતાનાબાદ ભીમપોર બામણિયા કોલોનીમાં બંટી પ્રવીણભાઈ ઢોડીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાં ખોટો રજીસ્ટ્રેશન નંબર લગાવ્યો હોવાનું જણાયું હતું. જેનો સાચો નંબર જીજે 15 એડી 8058 હતો. પોલીસે બંટીની પૂછપરછ કરતા વલસાડમાં રહેતા જીતુએ દારૂ ભરાવી આપ્યો હોવાનું કબૂલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 1.50 લાખની કાર અને 1 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 1,77,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વાપીથી ટેમ્પોમાં અંકલેશ્વર લઈ જવાતો ૮.૮૦ લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપીના કોપરલી ચાર રસ્તા પાસે એલસીબીની ટીમે એક ટાટા ટેમ્પોમાં ખાખી પુઠાના બોક્સની અંદર દમણીયા બનાવટના દારૂ લઇ જવાતો ઝડપી પાડ્યો હતો. દમણથી અંકલેશ્વર લઇ જવાતો ૧૭૫ બોક્સની અંદર ૪૭૪૦ બોટલ વ્હીસ્કી, બિયર જેની કિંમત ૮,૮૦,૮૦૦ બતાવવામાં આવી છે તે પોલીસે ઝડપી પાડી ટેમ્પો ડ્રાઇવરની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કોપરલી ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરીને સફેદ કલરના ટાટા ટેમ્પોને રોકી તેના ડ્રાઇવરને ઝડપી લઇ તપાસ કરતા વિદેશી બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અરુણ શોભાસિંગ રાઠોડ જે વાપીના કંચનજંગા ધવલગીરી એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ યુપીનો રહેવાસી દમણમાં કોસ્ટલ હાઇવ પોલીકેપ કંપનીની સામે રોડ ઉપરથી ટેમ્પો લઇને નીકળ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેનો મિત્ર ઉમેશ રાઠોડ અને તે ઘણા સમયથી દારૂ ભરેલા ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. ગુરુવારે પણ ઉમેશ દ્વારા આ ટેમ્પો અંકલેશ્વરમાં વર્ષાહોટલની સામે પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ટેમ્પો સંજીવ ઉર્ફે સંજુ જયસ્વાલ અને વિકાસ જસ્વાલ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. પોલીસે વાપી ટાઉન પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી ડ્રાઇવર અરુણ રાઠોડને અટકમાં લઇ બાકીના ત્રણ આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.