Dakshin Gujarat

ભરૂચમાં કોલ્ડેસ્ટ ડે: તાપમાન ગગડીને 9 ડિગ્રી

ભરૂચ(Bharuch): ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને (Snowfall) પગલે તાપમાનનો પારો ગગડી જતાં રાત્રિનું તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચતાં લોકો ઠુંઠવાઇ ગયા હતા. મંગળવારે (Tuesday) દિવસભર પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ભરૂચમાં 10 વર્ષના ગાળામાં છઠ્ઠીવાર તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી પર પહોંચી ગયો છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠેરઠેર તાપણાં સળગાવીને રક્ષણ મેળવી રહ્યા છે. લોકોએ ગરમ વસ્ત્રો પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

  • ઉત્તરમાંથી પવન વધતાં ઠંડીનું પ્રમાણ વધ્યું, હજી બે દિવસ વધુ ઠંડી રહેશે
  • છેલ્લાં 10 વર્ષના આંકડા જોઇએ તો 6 વખત ભરૂચ જિલ્લાનું તાપમાન 9 ડિગ્રી કે તેથી નીચે ગયું છે

ભરૂચના દાંડિયા બજારના સ્વામીનારાયણ મંદિરમાં (Temple) ભગવાનને પણ ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રોના વાઘા બનાવી પહેરાવવામાં આવ્યા હતા. ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાએ સ્થિતિ બદલી નાંખી છે. મંગવારે તાપમાન ઘટી જતાં સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે (Coldest Day) બની રહ્યો હતો. સોમવારે (Monday) રાત્રિનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે લોકોએ ઠંડીનો ભારે ચમકારો અનુભવ્યો હતો. શિયાળાની (Winter) હાંજા ગગડાવતી ઠંડીનો પ્રારંભ થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાંનો સહારો લીધો હતો.

છેલ્લા ત્રણ દિવસથી સાંજથી શીતલહેરોને કારણે તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો અને મધ્યરાત્રિ સુધીમાં પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ઠંડીના ચમકારાને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી હતી. મંગળવારે સવારે પણ લોકો ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડ્યા હતા. ઠંડીના સામ્રાજ્યથી ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વળી, નોકરી-ધંધા અર્થે જતાં દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષના આંકડા જોઇએ તો 6 વખત ભરૂચ જિલ્લાનું તાપમાન 9 ડિગ્રી કે તેથી નીચું ગયું છે. જાન્યુઆરીની શરૂઆતથી ઠંડી સામ્રાજ્ય જમાવી રહી છે. પારો 10 ડિગ્રી કરતાં નીચે જતાં સવારના સમયે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. વહેલી સવારે માર્ગો પર મોર્નિંગ વોક માટે નીકળતા શહેરીજનો પણ સમયમાં ફેરફાર કરી મોડા મોડા ઘરમાંથી નીકળી રહ્યા છે. વર્ષભરની એનર્જી એકઠી કરી લેવા ભરપૂર કસરતનો પણ લાભ ઉઠાવી રહ્યા છે.

નવસારીમાં 12.5 ડિગ્રી, દિવસે ફૂંકાયેલા ઠંડા પવને લોકોને ઠુંઠવી નાંખ્યા

નવસારીમાં મંગળવારે લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થતાં 12.5 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ નવસારીમાં હાડ થીજવતી ઠંડી પડી છે. વલસાડમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું.

નવસારીમાં છેલ્લા થોડા દિવસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જોકે મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો ઠંડીમાં વધારો થયો હતો. જોકે ગત રવિવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને ગત સોમવારે 6 ડિગ્રી ગગડ્યું હતું. બે દિવસમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડી પડી હતી. જોકે આજે ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. પરંતુ નવસારીમાં થીજવતી ઠંડી યથાવત જ રહી હતી. તો બીજી તરફ દિવસ દરમિયાન ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા.
મંગળવારે મહત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધતા 26.1 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધતા 12.5 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 97 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 43 ટકા જેટલું નીચું રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 7.7 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

Most Popular

To Top