Gujarat

ગુજરાતના સ્થાપના દિવસથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતી (Natural farming) અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લઇ શકેતે હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આજે સીએમડેશબૉર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરીને ગુજરાત રાજ્યના આગામી સ્થાપના દિવસથી એટલે કે તા. ૧લી મેથી ગ્રામીણ કક્ષાએથી શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેમ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે તેમ આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય જ છે.

આચાર્ય દેવવ્રતે કહ્યું કે, તમામ જિલ્લાઓમાં દર મહિને પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા થાય એ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવા તેમને સૂચના આપી હતી. જે તે જિલ્લામાં શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતર-વાડીની અઠવાડિયામાં એક વખત મુલાકાત લેવા પણ તેમણે કલેકટર્સ-ડીડીઓને અનુરોધ કર્યો હતો.

તા. ૧ લી મે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યના ૧૪,૪૫૫ ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરાશે. રાજ્યના તમામ ગામડાંઓ માટે ૧૦-૧૦ ગામોના એક એવા ૧,૪૭૩ ક્લસ્ટર્સ બનાવાયા છે. ૧૦ ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત; કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને ‘માસ્ટર ટ્રેઈનર’ બનાવ્યા છે તે અને સાથે આત્મા-કૃષિ વિભાગના એક નિષ્ણાત પ્રતિનિધિ, બંને પોતાને ફાળવાયેલા દસ ગામોમાં ખેડૂતોને વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કહ્યું હતું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પાંચ-પચ્ચીસ વર્ષ માટે ફળદાયી-લાભકર્તા હોઈ શકે, પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટેના રાજ્ય સરકારના પ્રયાસોથી લોકોને પેઢીઓ સુધી લાભ પહોંચાડી શકાશે. અનેક પ્રશ્નોનો ઉકેલ પ્રકૃતિ પાસે જ છે. અત્યારે કોઈપણ વ્યક્તિમાં કોઈ પણ વયે ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અત્યંત જરૂરી છે.

Most Popular

To Top