National

બાંગ્લાદેશ: મહિલા ડોક્ટરના દુષ્કર્મ બાદ તબીબોની દેશવ્યાપી હડતાળ, CBI તપાસ શરૂ

નવી દિલ્હી: કોલકાતાની (Kolkata) આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તોડફોડ બાદ ડોક્ટરોએ આવતીકાલે શનિવારે 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ડોક્ટરોની હડતાળના (Strike) ભાગરૂપે આવતી કાલે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી માત્ર ઈમરજન્સી સેવાઓ (Emergency services) ચાલુ જ રહેશે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ 17 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન-ઈમરજન્સી સેવાઓ બંધ કરશે. ત્યારે આ સમયગાળા દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે અને ઇમરજન્સી વોર્ડમાં તબીબી કાર્ય પણ ચાલુ રહેશે. IMAએ જણાવ્યું હતું કે બહારના દર્દીઓમાટે OPD માં સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી પણ કરવામાં આવશે નહીં.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આચરવામાં આવેલા જઘન્ય અપરાધ અને સ્વતંત્રતા દિવસ (બુધવારની રાત્રે) ની પૂર્વસંધ્યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે, ભારતીય મેડિકલ એસોસિએશને શનિવારે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. જેના અંતર્ગત તારિખ 17 ઓગષ્ટના રોજ સવારે 6 થી રવિવાર 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી એલોપેથી પ્રેક્ટિશનરો દ્વારા 24 કલાક માટે દેશવ્યાપી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટરો, ખાસ કરીને મહિલાઓ, તેમના વ્યવસાયના કારણે હિંસાનો ભોગ બને છે. ત્યારે હોસ્પિટલો અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. આ સાથે જ IMA એ કોલકાતાની હોસ્પિટલમાં તોડફોડની પણ નિંદા કરી હતી.

દર્દીઓની મુશ્કેલી વધી
16 ઓગસ્ટથી ડોક્ટરોની હડતાળની અસર જોવા મળી રહી છે. પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિશ્ચિત કાળની હડતાળને કારણે દર્દીઓની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં નાના બાળકોને પણ સારવાર મળી રહી નથી.

તોડફોડ કરનારાઓ પર પોલીસનું કડક વલણ
અસલમાં 14મી ઓગસ્ટની રાત્રે મોટી સંખ્યામાં લોકો આરજી કાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. લોકોએ જ્યાં તબીબોનો વિરોધ કર્યો હતો ત્યાં તોડફોડ પણ કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે. તેમજ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 22 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસે તોડફોડ કરનાર આરોપીઓની તસવીરો પણ જાહેર કરી છે. આ સાથે પોલીસ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી પણ સ્કેન કરી રહી છે, જેથી બાકીના આરોપીઓને ઓળખી શકાય.

સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ
કોલકાતામાં ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ સરઘસ કાઢવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. દરમિયાન તબીબોની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે, જેથી દેશભરમાં કાર્યરત ડોકટરોની સુરક્ષા થઈ શકે.

આટલુ જ નહીં પણ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન ફોર્ડાએ ફરી હડતાળની જાહેરાત કરી છે. કારણ કે સંગઠનનો આરોપ છે કે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર ડોક્ટરોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. તે જ સમયે, શુક્રવારે (16 ઓગસ્ટ) બપોરે 2 વાગ્યે, મોટી સંખ્યામાં ડોકટરો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને મળશે અને આરોગ્ય મંત્રાલયનો ઘેરાવો કરશે. તેમજ સાંજે 6 વાગ્યે ઈન્ડિયા ગેટ પર ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કેન્ડલ માર્ચ કાઢશે. આ સાથે વધુ આયોજન માટે આજે સાંજે 5 વાગ્યે દિલ્હીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

સીબીઆઈએ તપાસ હાથ ધરી
CBIએ મહિલા ડોક્ટરની નિર્દયતા અને હત્યાના કેસમાં તપાસ તેજ કરી છે. ત્યારે 14 ઓગસ્ટે કોલકાતા પહોંચેલી સીબીઆઈની ટીમે ગુરુવારે આરજી કાર હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. સીબીઆઈની એક ટીમ જ્યાં ગુનો આચરવામાં આવ્યો હતો ત્યાં પણ પહોંચી હતી. દરમિયાન સીએફએસએલના બાયોલોજી વિભાગના નિષ્ણાતોએ સ્થળ પરથી ફોરેન્સિક સેમ્પલ પણ એકત્રિત કર્યા છે. આ દરમિયાન સીબીઆઈએ હોસ્પિટલના 5 ડોક્ટર, પૂર્વ અધિક્ષક-કમ-વાઈસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ, દવા વિભાગના એચઓડી અને છાતી વિભાગના વડા સહિત 9 લોકોની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ આરજી હોસ્પિટલની અંદર અને બહાર લગાવેલા તમામ સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે. આ સાથે જ સીબીઆઇએ હોસ્પિટલના અનેક કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન ટીમે ડ્યુટી રોસ્ટર પણ એકત્રિત કર્યું હતું જેથી તે જાણી શકાય કે 9 ઓગસ્ટના રોજ કોણ ફરજ પર હતું.

શું છે મામલો?
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. ડોક્ટર જ્યારે નાઈટ ડ્યુટી પર હતી ત્યારે તેની સાથે આ જધન્ય અપરાધ આચરવામાં આવ્યો હતો. ત્યારે તેમના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં કોલકાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જો કે આ ઘટના બાદ પણ લોકોનો રોષ વધતો જોવા મળ્યો હતો. દરમિયાન કેટલાક તોફાની તત્વો રાત્રે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. આવી સ્થિતિમાં તબીબો સહિત સામાન્ય લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે આશંકા છે કે મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર થયો હતો.

Most Popular

To Top