Gujarat

નેશનલ સાયન્સ ડે પ્રસંગે સાયન્સ કાર્નિવલ-2023નો સાયન્સ સિટીમાં આરંભ કરાવતાં ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી (Technology) સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આવનારા ૩ અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને ગુગલ (Google) સાથે મળીને ૧૦ હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં (Science City) તાલીમ આપશે.

નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની પીએમ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઇ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે તેનો મુખ્યમંત્રીએ સહ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે સાયન્સ-ટેક્નોલોજીમાં બાળકો, યુવાઓ રસ કેળવી શકે તે માટે વડાપ્રધાનએ નવી શિક્ષણનીતિમાં આધુનિક અને સમયાનુકુલ શિક્ષણને વેગ આપ્યો છે. એટલું જ નહિ, આ આખોય દશક તેમણે ટેક્નોલોજીનો દશક ટેકેડ બનાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર પણ આ જ પરંપરાને અનુસરીને જિલ્લામથકોએ સાયન્સ સેન્ટર્સ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે, ગામડાના અને છેવાડાના બાળકોને પણ નજીકના સ્થળે સાયન્સ સિટી જેવી વિજ્ઞાન નગરીની સુવિધા આપી આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરવી છે. રાજ્ય સરકારે વિજ્ઞાન-ટેક્નોલોજી માટે આ વર્ષના બજેટમાં ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હવેનો જમાનો સાયન્સ-ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો છે. મુખ્યમંત્રીએ સાયન્સ કાર્નિવલ-ર૦ર૩ આકાશ દર્શનથી લઇને વિવિધ વર્કશોપ્સના માધ્યમથી બાળ વિદ્યાર્થીઓમાં સ્પિરીટ ઓફ ઇન્કવાયરીને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આજે સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ 2023’ની નવતર શરૂઆત કરવામાં આવી રહી છે. વર્ષ 2022 માં 12 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જ્યારે જાન્યુઆરી-2023ના એક જ મહિનામાં 2 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે, તે રાજ્યમાં વિજ્ઞાન પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને હકારત્મક અભિગમની સાબિતી આપે છે એમ તેમણે ઉમેર્યુ હતું. આગામી દિવસોમાં સાયન્સ સિટી દ્વારા યોજાનાર STEM ક્વિઝ માટે 5 લાખ થી વધુ રજિસ્ટ્રેશન થયા છે, જ્યારે સાઉથ એશિયાનું સૌથી મોટું રોબોફેસ્ટ પણ અહીંયા યોજાવાનું છે – જેમાં કરોડોના ઇનામો વિજેતાઓને એનાયત કરવામાં આવશે.

Most Popular

To Top