Gujarat

અમદાવાદમાં PRL દ્વારા આજથી 13 માર્ચ સુધી ‘કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ’ પર નેશનલ વર્કશોપ

ગાંધીનગર,તા.8
અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) દ્વારા આવતીકાલ તા.9 થી 13 માર્ચ 2026 દરમિયાન “PRL વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ” નામની પાંચ દિવસીય રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પીએચ.ડી.ના શરૂઆતના તબક્કાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વર્કશોપ યોજાઈ રહી છે, જેમાં દેશભરના યુવા સંશોધકો ભાગ લેશે.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સના મહત્વપૂર્ણ ખ્યાલો અને પાયાના સૈદ્ધાંતિક સાધનો અંગે વ્યાપક સમજ આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન ટોપોલોજી ઇન નોન-ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ્સ, સેમિક્લાસિકલ ટ્રાન્સપોર્ટ થિયરી, ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ગ્રીન્સ ફંક્શન, મેની-બોડી ફિઝિક્સ તેમજ સુપરકન્ડક્ટિવિટીની થિયરી જેવા અગત્યના વિષયો પર વિશેષ વ્યાખ્યાન અને ટ્યુટોરિયલ્સ યોજાશે.

દેશની વિવિધ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓના જાણીતા વૈજ્ઞાનિકો અને ફેકલ્ટી સભ્યો આ વર્કશોપમાં માર્ગદર્શન આપશે. સમગ્ર ભારતમાંથી 50થી વધુ પ્રતિભાગીઓ આ કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના સંશોધન કાર્યને ‘ફ્લેશ ટૉક’ દ્વારા રજૂ કરવાની તક પણ મળશે, જેના કારણે યુવા સંશોધકો વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન અને વિચારવિમર્શને પ્રોત્સાહન મળશે.

આ વર્કશોપના ભાગરૂપે 8મા વાર્ષિક પ્રતિષ્ઠિત PRL–IAPT (ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ) લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન PRLના પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તી દ્વારા આપવામાં આવશે. આ વ્યાખ્યાન શ્રેણીનો હેતુ ઉચ્ચ સ્તરીય સંશોધન અને સ્નાતક કક્ષાના ભૌતિક વિજ્ઞાનના શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો છે. ક્વોન્ટમ મટીરિયલ્સ ક્ષેત્રે દેશમાં વધતી સંશોધન પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આવી કાર્યશાળાઓ યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાની સાથે સંશોધન ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Most Popular

To Top