SURAT

નવસારી પોલીસે વેસ્ટજ પેપરની આડમાં ટેમ્પોમાં લઇ જવાતો 15.72 લાખનો દારૂ ઝડપી પાડ્યો

સુરત : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા (Boriach Tol) પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે (Navsari L.C.B. Police) બાતમીના આધારે વેસ્ટજ પેપરની (Waste paper) આડમાં 15.72 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો (Tempo) આપી જનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક આઇસર ટેમ્પોને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને વેસ્ટજ પેપર રોલની આડમાંથી 15.72 લાખના વિદેશી દારૂની 7080 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે મૂળ યુ.પી. ના જોનપુર જિલ્લાના ઝાફરાબાદ હોજપોખરામાં અને હાલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ ઇસ્ટ હાજીમલંગ રોડ પર વિંધવાસની ચાલમાં રહેતા રામકિશન પ્યારેલાલ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે રામકિશનની પૂછપરછ કરતા શૈલેષ ઉર્ફે શૈલો નામનો વ્યક્તિ વિદેશી દારૂ ભરેલો ટેમ્પો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 7 લાખનો ટેમ્પો, રોકડા 4 હજાર રૂપિયા અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 22,76,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ગણેશ સિસોદ્રા બ્રિજ પર પોલીસે દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપી પાડ્યો
નેશનલ હાઇવે નં. 48 ઉપર ગણેશ સિસોદ્રા બ્રિજ પરથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 25 હજારના વિદેશી દારૂ ભરેલી મોપેડ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગણેશ સિસોદ્રા બ્રિજ પરથી એક મોપેડને રોકી તપાસ કરી હતી. તપાસ કરતા ચાર કાળા રંગની બેગમાંથી 25,460 રૂપિયાની વિદેશી દારૂની 237 નંગ બાટલીઓ અને પાઉચ મળી આવતા ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દ ગામે રહેતા જયભાઈ રાજુભાઇ રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસે જયભાઈની પૂછપરછ કરતા ચીખલીના કુકેરી ગામે રહેતા ચિરાગ વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હતો અને કનસાડ ગામે રહેતી મંગીબેન રાઠોડે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ચિરાગ અને મંગીબેનને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને 60 હજાર રૂપિયાની મોપેડ મળી કુલ 90,460 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top