રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત (Gujarat) પ્રવાસન નિગમ, ગાંધીનગરના (Gandhinagar) સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ જાન્યુઆરી,૨૦૨૩ ને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષ પદે બુધવારે રાજપીપળા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં ગાંધીએ જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” પ્રસંગે ગુજરાત સહિત દેશભરનાં વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ મહોત્સવના નોડલ અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, SOUADTGAના અધિક કલેક્ટર ધવલ જાની અને ગુજરાત પ્રવાસન નિગમના (TCGL) ઝોનલ ઇજનેર શ્યામલ પટેલે પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સૂચનો સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોનાં કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.