SURAT

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટ્યું, પરીક્ષા રદ

સુરત: ગુજરાતમાં પરીક્ષાનું પેપર ફૂટવું હવે તો જાણે સામાન્ય વાત થઇ ગઈ છે. હવે સુરતમાં ચાલી રહેલી કોલેજની પરીક્ષાનું પેપર ફૂટતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પેપર ફૂટવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સેનેટ સભ્યે કર્યો આ દાવો
યુનિવર્સિટીના સેનેટ સભ્યે કહ્યું કે, હાલમાં બી.કોમ સેમેસ્ટર 6ની પરીક્ષા ચાલે છે. 19 તારીખે બીએનું પેપર હતુ ત્યારે વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સનું પેપર આપી દેવામાં આવ્યું હતું.  કોમર્સ ફેકલ્ટીના ડીને આ ભૂલ છુપાવવા માટે પ્રશ્ન પત્ર પાછા લઇ લેવામાં આવે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે આ અંગે કોઇને કહેતા નહી. વિદ્યાર્થીઓ દ્વારા મારા સુધી આ વાત પહોંચી ગઇ હતી.

પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ખુલ્લા હતા: કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલાં જ પેપર ખૂલ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈ હાલ પરીક્ષા રદ કરવામાં આવી છે. સમગ્ર મુદ્દે તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે, જેથી એક્ઝામ સુપરિન્ટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓએ જ પ્રોફેસરને કહ્યું આ પેપર ફૂટી ગયું છે
યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ જ પ્રોફેસરને જાણ કરી હતી કે આ પેપર ફૂટી ગયું હતું. વારંવાર પરીક્ષાઓ રદ થતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. 10થી 12 હજાર વિદ્યાર્થીને સીધી અસર થઇ છે. પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.

પરીક્ષા શરુ થયાનાં એક કલાક બાદ કહ્યું, તમારું પેપર લીક થઈ ગયું છે
ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને અધવચ્ચેથી જ પેપર લીક થઈ ગયો હોવાનો પરીક્ષા દ્વારા કહેવામાં આવ્યું. પરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એક કલાક કરતા વધારે સમય સુધી પેપર લખ્યા બાદ પરીક્ષકે કહ્યું કે તમારુ પેપર લીક થઈ ગયું છે માટે તમામ વિદ્યાર્થીઓએ પેપર લખવાનું બંધ કરવાનું રહેશે.

ફરી પરીક્ષા ક્યારે ?
સુત્રોનાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ એ પ્રકારની વાત કરી હતી કે ગઈકાલે વાડિયા વીમેન્સ કોલેજની અંદર આ પેપર આપી દેવામાં આવ્યું હતું. પેપર ફૂટી જ ગયું હતું તેમ છતાં પરીક્ષામાં ફરી એ જ પેપર આપવામાં આવ્યું હતું. પેપર ફૂટી ગયું હતું તો પરીક્ષા કેમ લેવામાં આવી જ્યારે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે જ એમને કહી દેવાની જરૂર હતી કે પેપર લીક થઈ ગયું છે.

28 તારીખે લેવાશે ફરી પરીક્ષા
પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જો કે આ મામલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં હવે આ પરીક્ષા આગામી 28મી એપ્રિલનાં રોજ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયા ઓનલાઈન એક્ઝામ લેવામાં ખર્ચવામાં આવે છે તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. થોડા સમય પહેલા પણ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો હતો. કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4ની ઓનલાઇન પરીક્ષામાં જોવા મળ્યો હતો. બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી. 

Most Popular

To Top