Gujarat

ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હાથ મિલાવ્યા

ગાંધીનગર : 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત થતી અટકાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ ગતિએ રાજકીય કવાયત હાથ ધરાઈ છે. ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી આ શરૂઆત કરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.


ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયાએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. જયારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ નરેશ પટેલે ગળે લગાડયા હતા. આ રીતે એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કરાયો છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી.


ખોડલધામ ખાતે આજે લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી. તેમણે કહ્યું કે, 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ખોડલધામ એક મંદિર નહીં પરંતુ એક વિચાર છે. સંગઠન અને સંગઠિત બની 18 વર્ણની સેવા કરવાનું કામ ખોડલધામ કરી રહ્યું છે.

Most Popular

To Top