વલસાડ : ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે (Nani Vahiyad Village) 110 વર્ષ જૂના રાજમહેલને (Old Palace) મુખ્યમંત્રીના હેરિટેજ પ્રોજેક્ટમાં (Heritage Project) સમાવવા અંતર્ગત સરકારના પ્રવાસન (Tourism) નિગમની ટીમે (Team) ગતવર્ષે મુલાકાત લીધા બાદ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં જર્જરિત મહેલ સારસંભાળના અભાવે તૂટી રહ્યો છે, અગાઉ ગ્રામ પંચાયત દ્વારા અને હાલે પણ આ મુદ્દે રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ધરમપુરના ધારાસભ્યની રજૂઆત બાદ પ્રવાસન નિગમની એક ટીમે પણ અહી આવી સરવે કરી રિપોર્ટ સરકારમાં આપ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ ધરમપુરના મહારાજાએ આશરે 110 વર્ષ અગાઉ 108 રૂમ ધરાવતો વિશાળ મહેલ નજીકના નાની વહિયાળ ગામે બનાવ્યો હતો.
પ્રવાસન નિગમની એક ટીમ મહેલની મુલાકાતે આવી હતી
મહેલમાં અગાઉ આયુર્વેદીક હોસ્પિટલ, બેંક, હાઈસ્કૂલ કાર્યરત હતી. જોકે તે અન્યત્ર સ્થળે સ્થળાંતર થતા છેલ્લા ઘણા વર્ષોથી રાજાના બંગલા તરીકે ઓળખાતો મહેલ જર્જરિત થઈ જોખમી બન્યો છે. જોકે અગાઉના માજી સરપંચ દિલીપ પટેલ, આગેવાન જયેશ પટેલ, વર્તમાન સરપંચ વિનોદ પઢેર સહિતએ બંગલાનું રિનોવેશન કરી પર્યટન સ્થળ તરીકે વિકસી શકે તેમ હોઈ પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન ગત વર્ષે ધારાસભ્ય અરવિંદ પટેલે અધિકારીઓ સાથે બંગલાની મુલાકાત લીધી હતી. આ મુદ્દે મુખ્યમંત્રીને મળી મુખ્યમંત્રી હેરિટેજ પ્રોજેક્ટમાં સમાવેશ કરવા તેમણે રજૂઆત પણ કરી હતી. જે સંદર્ભે ગુજરાત પ્રવાસન નિગમની એક ટીમ મહેલની મુલાકાતે આવી હતી. જેમની સાથે ધારાસભ્ય અરવિંદ પટેલ, ધરમપુર પ્રાંત, મામલતદાર, માર્ગ મકાનના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર મહેલનું નિરીક્ષણ કર્યું હતું. જોકે એક વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા મહેલનો કેટલોક ભાગ તૂટી રહ્યો છે, જે જોખમી પણ બની રહ્યો છે. લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
સમગ્ર રાજ્યમાંથી લોકો મહેલ જોવા આવે છે
અહીં સમગ્ર રાજ્યમાંથી લોકો મહેલ જોવા માટે આવે છે, મહેલ ઉપરાત આજુબાજુની સુંદરતા, પસાર થતી પાર નદી અને ડુંગરો સુંદરતા વધારે છે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. જો અહી પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવે તો સ્થાનિકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ શકે છે.