રાજપીપળા: નર્મદાના નાંદોદના (Nandod) બોરીદ્રા ગામમાં અને તેની આજુબાજુનાં ગામો જેવાં કે નાની-મોટી ચીખલી(Chikhli) તથા મોવી ગામમાં ભૂકંપ (Earthquake) જેવા ધડાકા છેલ્લા 15 દિવસથી સંભળાઈ રહ્યા છે. મકાનોમાં ધ્રુજારી આવતી હોવાનો પણ અનુભવ થઈ રહ્યો છે. આ ઘટના પછી ગ્રામજનોમાં ફકડાટ ફેલાયો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ ભૂકંપ છે કે પછી બીજું કંઈ છે?
ભૂકંપ થઈ રહ્યો હોય એવું ગ્રામજનો અનુભવી રહ્યા છે
ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારા બોરીદ્રા ગામમાં અને તેના આજુબાજુનાં ગામોમાં છેલ્લા 15 દિવસથી અવારનવાર જમીનમાં ધડાકાનો અવાજ સંભળાય છે. જાણે ધરતીકંપ થયો હોય એવા અવાજ સાથે મકાનો પણ હલવા લાગે છે એવી અનુભૂતિ ગ્રામજનોને થઈ રહી છે. જમીનની અંદર પેટાળમાં કંઈક ફેરફાર થઈ રહ્યો હોય અને ભૂકંપ થઈ રહ્યો હોય એવું ગ્રામજનો અનુભવી રહ્યા છે.
આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે
તા.5.11.22ના રોજ વહેલી સવારે 5 કલાકે આવો ધડાકો સંભળાયો હતો. ત્યારે ધરતી હલવા લાગતાં મકાનો પણ ધ્રૂજવા લાગ્યાં હતાં. આવી ઘટનાથી ગ્રામજનો કેટલાક વખતથી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ બાબતે આપના તરફથી ભૂસ્તર વિભાગ દ્વારા તેમજ ભૂકંપ નિષ્ણાત દ્વારા યાંત્રિક માપનની મદદથી તપાસ થાય એવી અમારી માંગણી છે.
આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. સાથે ગ્રામજનોના જાનમાલની સુરક્ષા માટે તંત્ર યોગ્ય પગલાં લે એવી માંગ ઊઠી છે. આ અંગે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. અને હકીકતમાં આ શું છે એવું જાહેર કરે એવી ગ્રામજનોએ માંગ કરી છે.