Gujarat

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ

ગાંધીનગર : દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓના પ્રોત્સાહન અને સ્થાનિક ઉત્પાદકોને મજબૂત બજાર ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાજ્યની ચાર મહાનગરપાલિકાઓ – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ સ્થાપવામાં આવશે. આ મોલ દ્વારા સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો, શેરી ફેરીયાઓ અને નાના ઉદ્યોગકારોને તેમના સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. પીએમ નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો દ્વારા દેશના નાગરિકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પ્રેરિત કર્યા છે. આ અભિયાનને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે હવે શહેરી વિસ્તારોમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના અંતર્ગત ‘નમો સ્વદેશી અર્બન મોલ’માં સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરિણામે શહેરીજનોને એક જ સ્થળે વિવિધ સ્થાનિક ઉત્પાદનો સરળતાથી મળશે, જ્યારે ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો માટે સ્થિર બજાર મળશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યની ૧૬ મહાનગરપાલિકાઓમાં ‘પ્લાસ્ટિક મુક્ત સ્વદેશી ઉત્સવ’ અંતર્ગત સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓમાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. આ પહેલને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે ચાર મહાનગરોમાં કાયમી સ્વદેશી મોલ સ્થાપવાની યોજના અમલમાં મુકાઈ રહી છે.આ મોલમાં ખરીદદારો અને વેચાણકારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થવાથી સ્થાનિક ઉત્પાદકોને વધુ બજાર મળશે. સાથે સાથે અહીં સ્વદેશી મેળાઓ, હાટ બજાર અને વિવિધ પ્રદર્શનોનું આયોજન પણ થઈ શકશે, જેના કારણે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ તથા સ્વદેશી મેળાઓના આયોજન માટે કુલ ₹૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલથી સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને નવી તકો મળશે તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

Most Popular

To Top