Editorial

એવોર્ડ કે સ્ટેડિયમના નામ બદલવાથી મેડલ જીતી શકાય?

ભારત એવો દેશ છે કે જેની જનસંખ્યા 135 કરોડ છે અને અહીં ખૂણે ખૂણે રમતવીરો વસે છે. જો તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભારત માતાનો ખોળો ભરાય જાય તેટલા મેડલ મળી શકે તેમ છે. પરંતુ આપણા દેશની રમત અને રમતો રાજકીય આટાપાટા વચ્ચે અટવાતી રહે છે. દેશના નેતાઓ રાજકારણની રમત રમવામાં જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન જો તેમના મત ક્ષેત્રના ખેલાડીઓની રમત પર આપે તો દેશની રમતો સુવર્ણ અક્ષરે લખાઇ તેમ છે. એક તરફ દેશના ખેલાડીઓ એડી ચોટીનું જોર લગાડીને ઓલ્મિપિકમાં દેશનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ તેવા પ્રયત્નોમાં હતા તો બીજી તરફ દેશમાં એવોર્ડ અને સ્ટેડિયમના નામે રમત રમાતી હતી.

ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, શું એવોર્ડ કે સ્ટેડિયમના નામ બદલવાથી સારા ખેલાડીઓનું નિર્ણાણ થઇ શકે છે? ભારતમાં રમતગમત માટે અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડના નામને હવે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રેસે માગણી કરી છે કે સાથે સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરામાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેનું નામ પણ બદલી નાખવું જોઇએ. આમ નામ બદલવાને લઇને હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને આમને સામને આવી ગયા છે. અને રાજકીય વિવાદ સર્જાયો છે.

ટોક્યોમાં ખેલાઇ રહેલા ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરૂષ બન્ને હોકી ટીમોએ સારો દેખાવ કર્યો હતો. જેને પગલે ભારતમાં હોકી લેજન્ડ તરીકે પ્રખ્યાત મેજર ધ્યાન ચંદના નામે હવે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ રખાયું છે.પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધીનું નામ હટાવવામાં આવતા રાજકીય હોબાળો મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ બદલવામાં આવ્યું તેની જાણકારી જાહેર કરી હતી. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે તેને ધ્યાન ચંદને અપાયેલ સાચી શ્રદ્ધાંજલિ અને સન્માન ગણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મેજર ધ્યાનચંદ ભારતના એ આગળી હરોળના ખેલાડીઓમાંથી એક હતા કે જેઓને કારણે ભારતને સન્માન અને ગૌરવ મળ્યું. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હવેથી ખેલ રત્નને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવશે. જોકે જેવું નામ બદલાયું કે તુરંત જ સોશિયલ મીડિયા પર માગણી થવા લાગી કે સ્ટેડિયમ અને ખેલ સંલગ્ન એવોર્ડના નામ ખેલાડીઓના નામે જ હોવા જોઇએ.લોકોએ મોદીનું ધ્યાન દોર્યું કે અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું છે તેને બદલીને હવે કોઇ ખેલાડીના નામે રાખવુ જોઇએ.  બીજી બાજુ આ નિર્ણયનો કોંગ્રેસે શરૂઆતમાં સીધો વિરોધ જ કરવા માંડયો હતો.

જો કે હિન્દી પટ્ટામાંથી આવકાર મળતાં અંતે કોંગ્રેસે નવો સૂર છેડયો હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર હતા, સરકારે તેમના નામનો ઉપયોગ રાજકારણ માટે ન કરવો જોઇએ.રાજીવ ગાંધીના સૃથાને મેજર ધ્યાનચંદ ખેલ રસ્ત નામ રખાયું તેનું કોંગ્રેસ સ્વાગત કરે છે. હવે નરેન્દ્ર મોદીએ રાજકારણથી બહાર આવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને કપિલ દેવ, મેરી કોમ, પીટી ઉષા, પુલેલા ગોપીચંદ, સુનીલ ગાવસ્કર વગેરેમાંથી કોઇ એક ખેલાડીના નામે કરવું જોઇએ.સાથે જ જેટલા પણ સ્ટેડિયમોના નામ નેતાઓના નામે છે તેને બદલીને ખેલાડીઓના નામે કરી દેવા જોઇએ અને તેમાં અરૂણ જેટલી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવો જોઇએ.

જેટલીના નામને હટાવીને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓના નામે સ્ટેડિયમનું નામ રાખવું જોઇએ. જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સ્વયંથી બહુ જ પ્રેમ છે. તેઓએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પોતાના નામે જ કરી દેવાની જરૂર હતી. દેશના નેતા જે રીતે એવોર્ડ કે સ્ટેડિયમના નામ પર લડત ચલાવી રહ્યાં છે તેમણે એ જાણી લેવાની જરૂર છે કે, આ રમત-ગમતનું ક્ષેત્ર છે. રમત ગમતના નામ પરથી જ ખેલદિલી શબ્દ આવ્યો છે. હવે આ ખેલદિલીનો અર્થ નેતાઓની સમજમાં ભલે નહીં આવતો હોય પરંતુ પ્રજા તો આનો અર્થ સમજી જ શકે છે. દેશના નેતાઓ પ્રચાર અને રેલીના નામે જે તાયફાઓ કરે છે અને તેની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે તેટલો જ ખર્ચ જો ખેલાડીઓ પાછળ કરે તો આ દેશને માત્ર એક નહીં પરંતુ અનેક ગોલ્ડ મેડલ મળી શકે તેમ છે.

આટલા ખર્ચમાં તો દેશમાં અનેક ખેલાડીઓ તૈયાર થઇ શકે છે. વિદેશથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોચ લાવી શકાય તેમ છે અને રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઇ શકે તેમ છે. આપણા દેશની કમનસીબી એ છે કે, જો કોઇ ખેલાડી મેડલ જીતે તો તેને કરોડોના ઇનામ આપીને નવાઝવામાં આવે છે. તેમનું કરોડો નહીં પરંતુ અબજો રૂપિયામાં સન્માન થવું જોઇએ તેમાં ખોટું કંઇ જ નથી. પરંતુ ખેલાડીઓ તૈયાર કરવા પાછળ કોઇ જ ખર્ચ કરવામાં આવતો નથી. ખેલાડીઓ તેની પાસે જે તૂટ્યા ફૂટ્યા સાધનો હોય તેના સહારે જાતે જ તૈયાર થાય છે એટલે સ્ટેડિયમના નામ કે એવોર્ડના નામ માટે લડતા રહેવાના બદલે દેશના નેતાઓએ ખેલાડીઓ તૈયાર કરવા માટે ધ્યાન આપવું જોઇએ તો જ મેજર ધ્યાનચંદને સાચી શ્રદ્ધાંજલિ મળશે નહીં કે, એવોર્ડના નામ આપવાથી.

Most Popular

To Top