બિહારના નાલંદા જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શીતળા માતા મંદિરમાં શીતળા અષ્ટમીના શુભ અવસર અને મેળાને કારણે લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. અને સવારથી જ દર્શન માટે ભક્તોની મોટી ભીડ મંદિરમાં એકઠી થવા લાગી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે અપૂરતી વ્યવસ્થાને કારણે અચાનક ગભરાટ ફેલાઈ ગયો અને લોકો એકબીજા પર પડ્યા, જેના કારણે ભાગદોડ મચી જતા કુલ 9 શ્રદ્ધાળુઓએ એમા જીવ ગુામાવ્યા છે અને 12 જણા ઘાયલ થયા હોવાના સમાચાર આવ્યા છે. આ અકસ્માતમાં ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયા હતા , જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ મંદિર પરિસર અને હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ. વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા છે અને મંદિર અને મેળો બંધ કરાવી દીધો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે. આ અકસ્માત અંગે સ્થાનિક સ્તરે ભારે ગુસ્સો અને શોક છે. બે મૃતકોનીઓળખ રીટા દેવી (50) અને રેખા દેવી (45) થઈ ગઈ છે, અન્ય મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. રેખા દેવીના પરિવારના જણાવ્યા મુજબ, તે મેળો જોવા ગઈ હતી પરંતુ ભીડમાં ફસાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 6 લાખની સહાયની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્ર સરકારે 2 લાખની સહાયની જાહેરાત કરી છે. આમ, દરેક મૃતકના પરિવારજનોને કુલ 8 લાખનું વળતર આપવામાં આવશે. ઘાયલોને કેન્દ્ર તરફથી 50,000ની સહાય અને રાજ્ય તરફથી મફત સારવારની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારના બનાવો અન્ય ઠેકાણે અગાઉ પણ થયા હોવા છતાં મંદિર કે સરકાર આ અંગે શા માટે આટલી બેદરકારી દાખવે છે, એ સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે. આ સાથે વ્યવસ્થાતંત્ર પર પણ અનેક સવાલો ઊભા થયા છે, કે જયારે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે ત્યારે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા વિશે વિચાર કરવામાં આવે છે ખરો? લોકોની જિંદગી સાથે ચેડા શા માટે? અને આટઆટલી ભીડ આવી તો પ્રશાસન અને મંદિર ટ્રસ્ટે એની કોઈ દરકાર કેમ ન લીધી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ અકસ્માત અપૂરતી પોલીસ અને વ્યવસ્થાપનને કારણે થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર, જિલ્લાના મોટાભાગના પોલીસ દળને અન્ય કાર્યક્રમો માટે તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.