સુરત: નેકમાં (NAAC) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું (VNSGU) નાક કપાયું છે. નર્મદ યુનિવર્સિટી એ ગ્રેડથી સીધી જ બી ડબલ પ્લસ ગ્રેડ (B++) પર પહોંચી ગઈ છે. ગ્રેડ ઘટી જવા પાછળનું મુખ્ય કારણ ઓછું રિસર્ચ, કન્સલ્ટન્સી ઇનોવેશન છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશથી 18 વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિટેશન કાઉન્સિલમાં ભાગ લેતી થઈ છે.
સૌથી પહેલા વર્ષ 2004માં યુનિવર્સિટીએ નેકમાં ભાગ લીધો હતો. તે વખતે નર્મદ યુનિ.એ નેકમાં બી ડબલ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. એ પછી વર્ષ 2011માં અને વર્ષ 2017માં યુનિ. રિ-એક્રિડેશનમાં ગઈ હતી. આ દોરમાં અનુક્રમે 2.82 સીજીપીએ સાથે બી ગ્રેડ અને 3.03 સીજીપીએ સાથે એ ગ્રેડ લાવી હતી. હવે ચાલું વર્ષે ફરી રિ-એક્રિડેશનમાં ભાગ લેતા 2.86 સીજીપીએ સાથે બી ડબલ પ્લસ ગ્રેડ લાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે નેકે રિ-એક્રિટેશન મેળવવાની કાર્યવાહીમાં ફેરફાર કર્યો છે. જે મુજબ યુનિવર્સિટીએ એસએસઆર અને એક્યુઆર અમે 70% માર્ક્સના રિપોર્ટ નેકને મોકલી આપ્યો છે. જે પણ ફોટો સહિતના પુરાવા સાથે મોકલ્યો હતો. આ પછી બે અઠવાડિયા પહેલા જ નેકની પીયર ટીમનું 30% માર્ક્સનું ઇન્સ્પેક્શન આવ્યું હતું. જેણે યુનિવર્સિટીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી, વાલીઓ તથા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિતના જુદા જુદા મંડળો સાથે વાતચીત કરીને અભિપ્રાય મેળવ્યા હતા.
નેકના સૂચનો મુજબ કાર્યવાહી કરીશું
નેક મારફતથી અમને જે પણ સૂચનો પ્રાપ્ત થયા છે. તે મુજબ અમે આગામી દિવસોમાં કામ કરીશું. ખાસ કરીને રિસર્ચ, ઇનોવેશન અને ગવર્નન્સ સહિતની બાબતો સુધાર કરીશું.
- ડો. રમેશદાન ગઢવી, કાર્યકારી કુલસચિવ, વી.એન.એસ.જી.યુ.
નેકના સૂચનોને પરીપૂર્ણ કરવા માટે યુનિવર્સિટી કટીબદ્ધ છે. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. હાલમાં બી ડબલ ગ્રેડ મળ્યો છે. આઇક્યુએસસી આ મામલે બેઠક કરીને જ્યાં પણ માર્ક્સ ઓછા આવ્યા છે, ત્યાં સુધાર કરશે.
- ડો. અપૂર્વ દેસાઇ, ચેરમેન, આઇક્યુએસસી