સુરત : શહેરમાં ઓગષ્ટ મહિના પછી કોરોના (corona)ના કેસો ધીમે ધીમે ઓછા થતા હતાં જે હાલ છેલ્લા થોડાક દિવસોથી વધવા લાગ્યા છે. શાળામાં 6 થી 12 ધોરણના અને કોલેજોમાં ઓફલાઈન અને ઓનલાઈન અભ્યાસક્રમ (online education) શરૂ થયેલ હોય જે અંતર્ગત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શાળા, કોલેજની કોવિડ અંગેની SOP અંગે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં શહેરની તમામ ઝોન વિસ્તારમાં આવેલ શાળા-કોલેજના આચાર્યો તથા શિક્ષકોની સાથે સમીક્ષા બેઠકનું આયોજન સાયન્સ સેન્ટર, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં કમિ. બંચ્છાનિધી પાનીએ તમામ શાળા-કોલેજના આચાર્યોને તાકીદ કરતાં કહ્યું હતું કે, હાલ વિવિધ શાળા કોલેજમાં ઘણાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. શાળા-કોલેજ(school-collage)માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. જો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હોય તો તેના મારફત બીજા ઘણાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ થવાની શકયતા વધી જાય છે. કોરોનાના સંક્રમણને ફરીથી નિયંત્રિત કરવા માટે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી બાબતોનું અચૂકપણે પાલન કરવું.
જો કલાસમાં જો કોઈ એક વિદ્યારથી કોરોના પોઝિટિવ (corona positive) આવે તો સંપૂર્ણ કલાસ ૧૪ દિવસ બંધ રાખવો. જો કોઈ શાળા-કોલેજમાં કોરોના સંદર્ભેની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે નહી તો જે તે શાળા-કોલેજ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં તેમણે ઉપસ્થિત શાળા-કોલેજના આચાર્યો સાથે કોવિડ અંગેની SOP અંગે અને વેકસિનેશન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટિંગ માટે જરૂર જણાય તો ધન્વંતરી આરોગ્ય રથનો લાભ મેળવે તથા સુરત મહાનગરપાલિકા સંચાલિત કોવિડ–19 ટેસ્ટિંગ સેન્ટરો ઉપર જઈ ટેસ્ટ અચૂક કરાવે. આ મીટિંગમાં ઈ.ચા.ડે.કમિ. ગાયત્રી જરીવાળા, જિલ્લા શિક્ષણાધિકારી રાજગુરૂ, શાસનાધિકારી, સુમનશાળા સેલના વહીવટી અધિકારી-નિરીક્ષકો અને કુલ ૫00 જેટલી બહોળી સંખ્યામાં શાળા-કોલેજના આચાર્યો તથા શિક્ષકો હાજર રહ્યાં હતાં.
શાળા-કોલેજમાં કયા કયા નિયમોનું પાલન કરવું
- શાળા કોલેજમાં જો કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યું હોય તો અથવા જે તે વિદ્યાર્થીના પરિવારમાં કોઈ કોરોના પોઝિટિવ હોય તો તેને શાળા-કોલેજમાં આવવાની પરવાનગી આપવી નહી.
- જો કોઈ વિદ્યાર્થી અન્ય રાજયમાંથી ટ્રાવેલ કરીને આવ્યું હોય અથવા કોરોનાના લક્ષણો હોય કે બીમાર હોય તો તેઓને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ જ શાળા-કોલેજમાં પ્રવેશ આપવાનો રહેશે.
- આગામી ૨ માસ દરમ્યાન જે શાળા કોલેજમાં એરકન્ડિશનની સુવિધા હોય તો તેઓએ તેના વપરાશ દરમ્યાન જે તે રૂમના દરવાજા / બારીઓ ખુલ્લી રાખવી તથા રૂમમાં જરૂરી વેન્ટીલેશન રાખવું.
- ખાસ કરીને આગામી ૨ માસ દરમ્યાન જે શાળા કોલેજમાં જરૂરી અભ્યાસક્રમ સિવાયની તમામ રમત-ગમત અને ઈતરપ્રવૃત્તિઓ ટાળવી.
- કેન્ટીન સંપૂર્ણપણે બંધ રાખવી અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ સામાજિક અંતર સાથે આઉટડોરમાં જમે તેની તકેદારી રાખવી.
- નો માસ્ક નો એન્ટ્રી, માસ્ક ફરજિયાત પહેરવા, 6 ફુટનું સામાજિક અંતર જાળવવું.
- જો કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવે તો કોન્ટેકટ ટ્રેસિંગ કરી તેના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને હોમ-કવોરન્ટાઈન થવા સૂચના આપવી.