સુરત: શિયા વકફ બોર્ડ(SIYA VAKAF BOARD)ના માજી ચેરમેન વસિમ રીઝવી (VASIM RIZVI) દ્વારા ઉત્તરપ્રદેશના લખનૌમાં ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ ભડકાઉ ભાષણ આપવા અને કુરાન(KURAN)ની 26 આયતો દૂર કરવાની માંગણી સામે દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. મંગળવારે સુરત શહેર અને જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનોએ શહેર પોલીસ કમિશ્નર (SURAT CITY POLICE COMMISSIONER) અજય તોમરને આવેદનપત્ર આપી સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR દાખલ કરવા માંગ કરી છે.
શહેરના માજી મેયર અને મોટામિયા માંગરોળ (એકલબારા-પાદરા)ના ગાદીપતિ કદિર પીરઝાદા, સુરત ઇસ્લામ યતિમખાનાના પ્રમુખ યુનુઝ ચક્કીવાલા રીફાઇ સાહેબની મોટી ગાદીના લતીફ બાવા રીફાઇ, સુફી બાગના સલીમ ચાંદીવાલા, એડવોકેટ વાહબ શેખ, હાલાઇ મેમણ સમાજના પ્રમુખ ઇલ્યાશ કાપડિયા, ધોરાજી મેમણ સમાજના પ્રમુખ મક્સુદ ગોડીલ, આરીફ શેઠદાદા, ઇબ્રાહિમ મનીયાર, જમિયતે ઉલમાએ હિંદ સુરતના પ્રમુખ અરશદ મીર, કારી રસીદ અજમેરી, મુફતી તાહેર અને ડો. જમીલ હકીમ સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શાંતિ અને સંયમ જાળવવાની અપીલ સાથે પોલીસ કમિશ્નરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે કુરાનએ અલ્લા દ્વારા મોકલવામાં આવેલી કિતાબ છે તેમાં એક આયત તો શું એક અક્ષરનો પણ ફેરફાર થઇ શકતો નથી.
વિકૃત માનસિકતા ધરાવતા અને નામ માત્રના મુસ્લિમ એવા વસિમ રીઝવીએ ધાર્મિક લાગણી દુભાવવાના બદઇરાદા સાથે પવિત્ર કુરાનની 26 આયતોનું ખોટુ અર્થઘટન કરી ભડકાવ ભાષણ આપ્યું છે અને સુપ્રિમ કોર્ટમાં યાચીકા દાખલ કરી છે. સાથે સાથે હઝરત ઉમર ફારૂક અને હઝરત ઉસ્માનગની (ર.દ.)ની શાનમાં ગુસ્તાખી કરી છે. તેને લઇને દેશભરના મુસ્લિમ સમાજની આસ્થાને ઠેસ પહોંચી છે અને રિઝવી સામે રોષ જોવા મળી રહ્યો છે. રિઝવીનું ષડયંત્ર કોમ-કોમ વચ્ચે ઘૃણા ફેલાઇ, રાષ્ટ્ર નબળુ પડે તે પ્રકારનું જણાઇ છે તેની સામે તાત્કાલિક ગુનો નોંધવો જોઇએ.